જૂનાગઢ
જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ ડોકટરો પ્રેક્ટિસ કરી જનઆરોગ્ય સાથે ચેડા કરતા હોવાની માહિતીને લઈ પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી જુનાગઢ એસઓજી બ્રાચની ટીમ તપાસ કરી રહી હતી. દરમ્યાન જિલ્લાના મેદરડા તાલુકાના ખીમપાદર ગામમાં એક યુવક તબીબની ડીગ્રી વગરનો ડોકટર બની કલીનીક ચલાવીને ગ્રામ્ય વિસ્તારની પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે એસઓજી પીઆઈ એ.એમ. ગોહિલની સુચનાથી પીએસઆઈ જે.એમ.વાળાએ સ્ટાફ સાથે બાતમીવાળા સ્થળે પહોંચી દરોડો પાડ્યો હતો. ત્યારે સ્થળ પર ભરતભાઇ નારણભાઇ વસોયા (ઉ.વ.૪૦, રહે.ગોધમપુર તા.મેંદરડા) કોઈપણ પ્રકારની તબીબની ડીગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરી લોકોને દવા આપી ખાનગી દવાખાનું ચલાવતો હોવાનુ સામે આવ્યુ હતુ. તેની પાસેથી દવાઓ તથા ઇન્જેક્શનો મળી કુલ રૂ.૭૪૨૬ ના મુદામાલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી માટે મેંદરડા પોલીસને સોંપવાની કાર્યવાહી કરી હતી. સોરઠના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેરઠેર બોગસ ડૉક્ટરો કોઈપણ જાતની ડીગ્રી વગર ગેરકાયદે કલીનીકો ખોલી દવાઓ આપી ગ્રામીણ પ્રજાના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા હોવાની વ્યાપક લોકચર્ચા વચ્ચે એસઓજીએ કરેલ કાર્યવાહીના પગલે બોગસ ડૉક્ટરોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે. આ કાર્યવાહી અવિરત ચાલુ રહે તેવી લોકલાગણી પ્રવર્તેલ છે.જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખીમપાદર ગામે કોઈપણ જાતની ડીગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ ડોકટરને એસઓજી બ્રાંચની ટીમે બાતમીના આધારે દવા અને ઇન્જેક્શનના જથ્થા સાથે ઝડપી લીધો હતો. આ બોગસ ડોકટર ગેરકાયદેસર રીતે મેડીકલની પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
