જિલ્લા તેમજ સ્થાનિક/તાલુકા કક્ષાએ હોય તેવી વિવિધ સરકારી કચેરીઓ સમક્ષ રજૂઆતના બહાને ઉપવાસ, ધરણા, દેખાવો, સુત્રોચ્ચાર જેવા કૃત્યો કરી પોતાનો વિરોધ દર્શાવતા હોય અને સરકારી કચેરીઓમાં રોજીંદી કાર્યવાહીમાં રૂકાવટ ઉભી થતી હોય તેવા પ્રસંગે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉદ્દભવે છે. આવી બાબતોનું નિયમન કરવા અને આવી પ્રવૃત્તિઓ નિવારી શકાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓના વિસ્તારમાં કોઈએ ઉપવાસ ધરણાં પર બેસવું નહીં. જાહેર સુલેહ શાંતિ જોખમાય તે રીતે સૂત્રોચ્ચાર કરવા નહીં. કોઈ પણ વ્યક્તિએ લાઠી અગર ઈજા થાય તેવાં હથિયાર સાથે પ્રવેશ કરવો નહીં. કોઈ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવા પદાર્થો રાખવાની નહીં. ચાર કે તેથી વધુ માણસો એ ભેગા થવું નહીં કે અતિક્રમણ કરવું નહીં. સરકારી કચેરી આસપાસ કે સરકારી કચેરીના પરિસરમાં ગંદકી કચરો કરવા નહીં. આવા કૃત્યો પર મનાઇ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એલ.બી.બાંભણીયાએ પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામું તા.૧૨/૧૨/૨૦૨૨ થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે.
