જૂનાગઢ જિલ્લાની પાંચે ય વિધાનસભા બેઠકોની મત ગણતરી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની ઇજનેરી અને ટેક્નોલોજી કોલેજ ખાતે આજે તા.૮ના રોજ વહેલી સવારથી શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ હતી. પોસ્ટલ બેલેટ બાદ ઇવીએમ બેલેટની ગણતરી કરાઇ હતી. આમ, ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સુચારૂ રીતે મતગણતરી પૂર્ણ થઇ હતી.
જનરલ ઓબ્ઝર્વરશ્રી તથા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શનમાં તથા ચૂંટણી અધિકારીશ્રીઓના સંકલનમાં કૃષિ ઇજનેરી અને ટેક્નોલોજી કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ મતગણતરી સંપન્ન થઈ હતી. આ તકે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ વહેલી સવારે મતગણતરી મથકની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લાની પાંચે ય વિધાનસભા બેઠકોની અલગ અલગ હોલમાં મત ગણતરી કરવામાં આવી હતી. જેમાં ચૂંટણી સ્ટાફ તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી હાથ ધરાઈ હતી. કર્મચારીઓ દ્વારા રાઉન્ડ પ્રમાણે મતદાનના આંકડા જાહેર કરવામાં આવતા હતા.


