Gujarat

જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠકો પર વિક્રમી મતદાન માટે ડોર-ટુ-ડોર ચાલી રહ્યુ છે મતદાન જાગૃતિ અભિયાન         

વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં જૂનાગઢ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી રચિત રાજની અધ્યક્ષતામાં ૮૯-માંગરોળ વિધાનસભા મતવિસ્તારની BAGs(બૂથ લેવલ અવેરનેસ ગ્રુપ) ટીમની સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે BAGsના સદસ્યો સાથે સંવાદ સાધી દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પ્રેરિત થાય તે સંદર્ભે દિશાસૂચક માર્ગદર્શન આપ્યું હતું.

૮૯-માંગરોળ વિધાનસભા મતવિસ્તારની બૂથ લેવલ અવેરનેસ ગ્રુપના વડાઓ અને સદસ્યો સાથેની આ બેઠકમાં મતદારોમાં જાગૃતિ ફેલાવવા અને મતદારોને તા.૧ ડિસેમ્બરના રોજ અચુક મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા ડોર ટુ ડોર અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. જે સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે BAGs ટીમના પ્રતિભાવો દ્વારા ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં મતદારોમાં જાગૃતિની  સ્થિતિ વિશે સમીક્ષા કરવામાં આવી હતી.

૮૯-માંગરોળ વિધાનસભા બેઠક પર વર્ષ ૨૦૦૭માં ૬૫.૪૨ ટકા, વર્ષ ૨૦૧૨માં ૭૦.૯૭ ટકા, વર્ષ ૨૦૧૭માં ૬૫.૪૯ અને વર્ષ ૨૦૧૯ લોકસભામાં ૬૩.૯૮ ટકા મતદાન થયું હતું. છેલ્લી ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી સતત સરેરાશથી નીચી રહી છે.  તેનુ સંભવિત એક કારણ મતદાતામાં મતદાન માટે જાગૃતિનો અભાવ હોઈ શકે છે. જેથી BAGsની ટીમ દ્વારા અને બૂથ ચલો અભિયાન મારફત મતદાન માટે વ્યાપક જન જાગૃતિ ઉભી કરવામાં આવી રહી છે. સાથે BAGsની ટીમ દ્વારા વોટર ઇન્ફોર્મેશન સ્લીપનું ડોર ટુ ડોર વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત હેલ્થ બૂથ, એનિમલ બૂથ અને ઇકો-ફ્રેન્ડલી બૂથ વગેરે જેવા નવીન બૂથ સાથે મતદારોને પ્રોત્સાહિત કરવા અને મતદાન માટે ઉત્સુકતાનું વાતાવરણ નિર્માણ કરવા માટે એક વ્યૂહરચના સાથે કામગીરી કરવામાં આવી રહી છે.

આ વ્યૂહરચનાના પ્રથમ તબક્કામાં મતદારો અને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા હોદ્દેદારો વચ્ચે સકારાત્મક વાતાવરણનું નિર્માણ કરવાનુ કામ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. BAGs ટીમોને આગામી દિવસોના આયોજન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. અને મતદાન જાગૃતિના અંતિમ તબક્કામાં કરવાની થતી કામગીરી અંગે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. મતદાનના દિવસે વિધાનસભા બેઠક વાર અને જિલ્લા સ્તરે મતદાન ટકાવીરી પર દેખરેખ રાખવા માટે સમર્પિત કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવશે. જેમાં BAGs ટીમના વડાઓ AC લેવલના કંટ્રોલ રૂમમાં હાજર રહેશે. ACના તમામ મતદાન મથકોમાં મતદાનની ટકાવારી સંબંધિત ચૂંટણી અધિકારી દ્વારા દર કલાકે મોનિટર કરવામાં આવશે. અને ઓછું મતદાન ધરાવતા મતદાન મથકો પર ત્વરિત પગલાં લેવા માટે જણાવવામાં આવશે. આ માટે BAGs ટીમ જમીન પર કામ કરશે અને લોકોને મતદાન મથક સુધી લઈ જવા અને મતદાન કરવા અપીલની સાથે પ્રોત્સાહિત કરાશે

આ પ્રકારના આયોજન અને તૈયારીઓ સાથે જિલ્લાની ટીમ અને તમામ BAGs ટીમ દ્વારા આ ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધારવા અને  વધુમાં વધુ મતદાન કરવા માટે તંદુરસ્ત, હકારાત્મક વાતાવરણના નિર્માણ કરવા માટે પૂરા ઉત્સાહ સાથે કામ કરવામાં આવી રહ્યું છે.

bags-meeting-collector-sir-vanthli3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *