રાજકોટ
રાજકોટ એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી, દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, જૂના રાજપીપળા ખાતે હલેન્ડાના કિશન ગણોદીયા મેડિકલ ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે. જેના આધારે એસઓજી પોલીસે છાપો મારી કિશન ગણોદીયા નામના બોગસ ડોક્ટર હોવા છતાં દર્દીઓને તપાસી દવાઓ આપતા મળી આવ્યો હતો. પોલીસે કિશન પાસે મેડિકલ સર્ટિફિકેટની માગણી કરતા તેણે પોતાની પાસે કોઈ મેડિકલ ડિગ્રી ન હોવાની કેફીયત આપી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં કિશન મેડિકલ ડિગ્રી ન હોવા છતા ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હતો. પોલીસે ક્લિનિકમાંથી જુદી જુદી દવા પાટાપીંડીના સાધનો સાથે કુલ રૂ.૧૦,૭૫૦નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી શહેરમાં ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીની રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન રાજકોટ રેલવે સ્ટેશન ખાતેથી મોરબી શહેરમાં ચોરીના ગુનામાં નાસતા ફરતા હાર્દિક ભાલાળાને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત આપી હતી કે, રિક્ષામાં પેસેન્જર બેસાડી અન્ય આરોપીઓ સાથે મળી ચોરી કરી હતી. જે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. હાલ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આરોપી હાર્દિકની ધરપકડ કરી મોરબી પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારમાં ઓટો રિક્ષામાં મુસાફરોને બેસાડી ઊલટી થાય છે તેવા બહાના બનાવી મુસાફરોની નજર ચૂકવી મોબાઇલ તેમજ રોકડ રકમ સેરવી લેતી ગેંગના ચાર સભ્યોની રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે જીજ્ઞેશ ઉર્ફે જીગો સિંધવ, કામરૂ મકવા, સાહિલ મુખીડા અને જયદિપ ઉર્ફે જયુ પરમારની ધરપકડ કરી તેની પાસેથી એક ઓટો રિક્ષા, ૯ મોબાઈલ ફોન, તેમજ ૨૦,૦૦૦ રોકડા સહિત કુલ ૧.૦૯ લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીઓએ ૨૦ જેટલા ગુના આચર્યા હોવાની હોવાની કબૂલાત આપી છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપીઓ પૈકી જીજ્ઞેશ ઉર્ફે જીગો, કામરૂ અને સાહિલ અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીની રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. રાજકોટ રેલવે સ્ટેશન ખાતે ટીમ ક્રાઈમ બ્રાન્ચ હતી. આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, ઉના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી જીજ્ઞેશ ઉર્ફે જીગો સિંધવ રેલવે સ્ટેશન પહોંચેલ છે. જેના આધારે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
