અનેક ખાડાથી વાહનચાલકો ત્રસ્ત : વરસાદ સમયે અકસ્માતનો ભય : હાઇવે ઓથોરિટિની નિસક્રિયાત કોઈનો ભોગ લેશે
રાજકોટ જિલ્લાના જેતપુરથી ગોંડલ સુધીના નેશનલ હાઇવે રોડ પર એટલા અસંખ્ય ખાડા પડી ગયા છે કે વાહનચાલકોને વાહનો ચલાવવા દુષ્કર બન્યું છે. રોડ પરના ખાડા તારવવામાં અકસ્માતો સર્જાવાનો ભય રહે છે. નેશનલ હાઇવે ઓથોરિટિની નિષ્ક્રિયતા કોઈનો ભોગ લેશે તેવી દહેશત વાહનચલકોમાં સેવાઇ રહી છે.
જેતપુરથી ગોંડલ અને આમતો રાજકોટ સુધીનો નેશનલ હાઇવે અત્યંત ખાડાવાળો બની ગયો છે. વરસાદ સમયે રોડ પર કયા ખાડો છે તે જાણી શકાતું ન હોવાથી વાહનોને પારાવાર નુકશાની થઈ રહી છે.
એ ઉપરાંત ઘણી વખત રોડ પરનો ખાડો ધ્યાને આવે અને તારવવાના પ્રયાસો કરવામાં આવે તો સામેથી આવતા વાહનો સાથ અકસ્માતનો ભય સેવાય છે. અચરજની વાત એ છે કે, આ રોડ પરથી રોજ બરોજ ધારાસભ્યો, સાંસદો, અને પ્રધાનો પસાર થતાં હોય છે છતાં કોઈ આ રોડને મરામત કરાવવા જાગતા નથી. પરિણામે સરવાળે વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડે છે.
સજાગ વાહનચાલકો રોશભેર જણાવે છે કે, સરકારને રોડ ટેક્સ નિયમિત ભરીએ છીએ પણ જેનો ટેક્સ ભરાય છે તેવા રોડ રીપેર કરવા કે સારા રાખવા તંત્રની ઉદાશીનતાં જોવા મળે છે.
જેતપુરથી ગોંડલ સુધી આવતા જતાં વાહનોમાં કોઈના લાલનો ભોગ લેવાય કે કોઈના સેંથાનો સિંદુર ભૂંસાય તે પહેલા નેશનલ હાઇવે ઓથોરીટી સૂત્રો જાગશે કે પછી ઘોરતા જ રહેશે ? તેવો વાહનચાલકોને પ્રશ્ન ઉઠાવ્યો છે.

