હું પોલીસને હપ્તા આપું છું. અને મારો દારૂનો ધંધો કોઈ બંધ ન કરાવી શકે તેવી વાત કબૂલીને વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વહેતો કરીને સ્થાનિક પોલીસના આબરૂના ધજાગરા કરનાર નામચીન દેશી દારૂના બુટલેગર સવાના ઘરે સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ થતા બેરોકટોક થતા દેશી દારૂના વેપલા પર ગઈકાલે સ્ટેટ મોનીટરીંગ સેલે ત્રાંટકીને સ્થાનિક પોલીસનું નાક બટકાવી નાખ્યું છે. જોકે સ્ટેટ મોનિટરિંગ સેલના હાથમાં દેશી દારૂનો બુટલેગર સવો અને તેનો ભાઈ હાથમાં આવ્યા નથી. બહારની પોલીસે દારૂ દરોડો પાડીને સ્થાનિક પોલીસના મામલો સોંપી દીધો છે. હવે મને, કમને સ્થાનિક પોલીસે સવા સહિતના દેશી દારૂના બુટલેગરોને પકડવા પડશે.
જેતપુર શહેરમાં વધુ એક વખત પોલીસની મીઠી નજર હેઠળ ચાલી રહેલા ગોરખધંધાનો સ્ટેટ મોનીટરીંગ સેલે પર્દાફાશ કર્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જેતપુર સિટી વિસ્તારમાં ચાલી રહેલા ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. જેતપુરનાં નવાગઢ વિસ્તારમાં આવેલ કારખાનાં પાછળ બાવળની ઝાડીમાં રેડ કરી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દેશી દારૂ તેમજ હજારો લીટરની સંખ્યામાં દેશી દારૂ બનાવવા માટેનો આથો ઝડપી પાડયો છે. જોકે બહારની પોલીસની ગંધ આવી જતા સ્થાનિક પોલીસે બંને બુટલેગરોને ભગાડી દીધાના આક્ષેપો થઈ રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેટ મોનીટરીંગ સેલને જેતપુર પોલીસ મથક વિસ્તારમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ બાબતે બાતમી મળી હતી. જે અંતર્ગત સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આજ રોજ જેતપુરના નવાગઢ ખાતે આવેલ નિલેશ ડાંઇગની બાજુમાં સ્મશાન ની નજીક દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોઈ ગેરકાયદે પ્રવૃત્તિ નો પર્દાફાશ કર્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આ રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન દેશી દારૂ તેમજ હજારો લીટર ની સંખ્યામાં દારૂ બનાવવા માટે ના આથાનો જથ્થો મળી આવ્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં નવાગઢના દેવીપુજક બે ભાઈઓ આ દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવતા હોય જેમાં સંજય ઉર્ફે સવો મોહનભાઈ સોલંકી તેમજ ખીમજી મોહનભાઈ સોલંકી નામના શખ્સો હાજર મળી નાં આવતા વોન્ટેડ જાહેર કર્યા છે તેમજ દારૂ બનાવવા ના સાધનો સહિત રૂ.૪૧.૧૩૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે સવો તેમજ તેમનો ભાઇ ખીમો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. વિદેશી દારૂના જથ્થા સાથે પણ ઝડપાઈ ચૂક્યો છે. તેમજ તેના વિરૂદ્ધ અનેક કલમો હેઠળ ગુના પણ નોંધાઈ ચુક્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેડ કરીને જેતપુર શહેર પોલીસને નિંદ્રાધીન હાલતમાં ઝડપી પાડી છે.
બોક્સ :
સવો અને ખીમાં પર સ્થાનિક પોલીસના બારેય હાથ !!
જેતપુર : અત્રે ઉલ્લેખની છે કે ગઈકાલે બહારની પોલીસે પાડેલા દેશી દારૂના દરોડામાં જેતપુરના નામચીન બુટલેગરો સવો અને ખીમો પોલીસના હાથ આવ્યા નથી. પરિણામે હવે સ્થાનિક પોલીસ જ તેમને પકડવા પડશે. લોકો કહે છે કે આ બંને બુટલેગર ઉપર સ્થાનિક પોલીસના બારેય હાથ છે. અગાઉ બુટલેગર સવાએ પોતે પોલીસને રૂપિયા પુરા પાડતો હોવાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હોવા છતાં સ્થાનિક પોલીસે તેમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી ન હતી. પરિણામે એ વાત સાબિત થઈ ગઈ હતી કે આ બંને બુટલેગરો સાથે સ્થાનિક પોલીસને ખૂબ સારો ઘરોબો છે
આ બંને ભાઈઓનો દારૂનો ધંધો તાત્કાલિક બંધ કરવા અગાઉ જાગૃત લોકોએ અનેક વખત પોલીસને રજૂઆત કરી હતી. પરંતુ સ્થાનિક પોલીસને મહિને નિયમિત હપ્તા મળી જતા હોવાથી આ બંને બુટલેગરોને પકડવા પોલીસે મુનાસીબ માન્યું ન હતું. પરંતુ સ્થાનિક પોલીસની જાણે આબરૂ જવાની હશે તેમ મોનીટરીંગ સેલે દરોડો પાડીને હાલ દારૂનો જથ્થો તેમજ દારૂ બનાવવાનો આથો અને સાધનો કબજે કર્યા છે. પરંતુ જાણકારોનો એવો પણ આક્ષેપ કર્યો હતો કે બહારની પોલીસના દરોડાના બરાબર બે ત્રણ કલાક પછી અહીં ફરી દારૂની ભઠ્ઠી ધમધમતી થઈ ગઈ હતી. ત્યારે સ્થાનિક પોલીસને આ બંને બુટલેગરો સાથે કેવો સંબંધ હશે તે કહેવાની જરૂર ખરી ??


