મહિલાના દસ્તાવેજ પરહસ્તગત કરી નવ લાખની લોન કરી:
પોલીસ બંને વિરૂધ્ધ નોધશે ગુનો?
જેતપુરમાં લોન કનસ્ટલન વકીલ અને એસબીઆઈ બેંકેના નિવૃત્ત ચીફ મેનેજરે સાથે મળી લોનની જરૂરીયાતમંદ લોકોના દસ્તાવેજો હસ્તગત કરી તેઓની જાણ બહાર લાખો રૂપિયાની લોન લીધી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે.
ઘટના મુજબ જેતપુર શહેરની ઉધી શેરીમાં એક ખખડધજ મકાનમાં ભાડે રહેતી મહિલાના નામે નવ લાખ રૂપિયાની પ્રધાનમંત્રી મુદ્રા લોન લઈ છેતરપીંડી આચર્યાની સીટી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરીયાદ કરી હતી.
જેતપુર શહેરની ઉધી શેરીમાં રહેતા પરેશભાઈ મકવાણા વર્ષ 2017માં એસબીઆઈ બેંકના એટીએમમાં ગાર્ડની નોકરી તેમજ બેંકના ભૂતપૂર્વ ચીફ મેનેજર શુભનીથ દાસને ત્યાં ઘરકામ કરતો હતો. પરંતુ સાવ ઓછા મહેંતાણાને લીધે તેને ઘર ગુજરાન ચલાવવામાં ખૂબ તકલીફ પડતી હતી. જેથી તેણે એક જૂની ઓટો રીક્ષા ખરીદવા 30 હજાર રૂપિયાની લોન માટે શુભનીથ દાસને જણાવતા તેણે ન થઈ શકે તેમ જણાવેલ હતું. ચાર પાંચ દિવસ બાદ શહેરના કણકીયા પ્લોટ વિસ્તારમાં લોન કનસ્ટલની કામગીરી કરતો પ્રતીક ગાજીપરા નામનો વ્યક્તિ પરેશભાઈના ઘરે આવીને જણાવેલ કે, તમારે લોનની જરૂરીયાત હતી તે મને મેનેજરે જણાવેલ હું કહું તેમ કરો એટલે તમારી 30 હજારની લોન થઈ જશે. તેમ જણાવી બીજા દિવસે જુદાજુદા ડ્રેસ મટીરીયલ્સના દસ જેટલા પાર્સલ પરેશભાઈના ઘરે પ્રતિકે મૂકીને જણાવેલ કે બેન્કમાંથી કોઈ સાહેબ જોવા આવે તો કહેજો કે અમારે ડ્રેસ માટીરીયલ્સનો ધંધો છે અને તે માટે લોન જોઈએ છે. ત્યારબાદ બેન્કમાંથી સાહેબ આવ્યા તેમણે ઘરની હાલત જોઈ લોન આપવાની ના પાડી દીધી.
પરંતુ એકાએક વર્ષ 2019માં એસબીઆઈ બેન્કમાંથી પરેશભાઈના પત્ની ચંદ્રિકાબેને પ્રધાનમંત્રી મુદ્રા સ્કીમ હેઠળ નવ લાખ રૂપિયાની લોન લીધેલ હોય તે પેટે વ્યાજ સહિત સાડા દસ લાખ રૂપિયા ભરવાની નોટીસ આવતા. જે બેંકમાં બતાવતા આવી નોટીસ તો આવ્યા કરે તમારે કઈ પૈસા ભરવાનું નહિ થાય તેમ ભૂતપૂર્વ બેંકના મેનેજરે જણાવેલ. પરંતુ હાલમાં કોર્ટમાંથી લોન પેટે વ્યાજ સહિત પૈસા ભરવાની નોટીસ આવતા આ દંપતી કોર્ટમાં પોતાને આવી કોઇ લોન જ મળી ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આ દંપતીએ પોતાને બેન્કમાંથી જે એકાઉન્ટ નંબર પર લોન મળેલ અને તેમાંથી જેને પૈસા ટ્રાન્સફર થયા તે બંને એકાઉન્ટનું સ્ટેટમેન્ટ માંગતા 29-1-18 માં ચંદ્રિકાબેનના એસબીઆઈના બેન્ક એકાઉન્ટમાં નવ લાખ જમા થયેલ અને તે જ તારીખે બે વખત સાડા ચાર લાખ રૂપિયા ફૂલવાડી સ્ટેશન રોડ પર આવેલ પિતૃકૃપા ફેબ્રિકર્સના એકાઉન્ટ નંબર 36342090546માં ટ્રાન્સફર થયેલ હતા.અને સ્ટેટમેન્ટમાં ડિટેઇલ એડ્રેસમાં પ્રતીક ગાજીપરાનું ઇ મેઈલ એડ્રેસ લખેલ હોવાથી પ્રતીક ગાજીપરાએ જ શુભનીથદાસ સાથે મળી ચંદ્રિકાબેનની જાણ બહાર આધારકાર્ડ ચૂંટણી કાર્ડ, રાશનકાર્ડ તેમજ લાઈટબીલની નકલ જેવા દાસ્તાવેજના આધારે નવ લાખ જેટલી મોટી રકમની લોન લઈ છેતરપીંડી આચર્યાની લેખિતમાં સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. અને ઇ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦,૧૨૦ (બી),૪૬૫,૪૬૭,૪૬૮, તેમજ ૧૧૪ કલમ મુજબ પગલાં ભરવા ફરિયાદીએ માંગ કરી છે
વધુમાં પ્રતીક ગાજીપરાએ બેંકના અધિકારીઓ સાથે મળી અનેક લોકોના નામે તેઓની જાણ બાર લોન લઈ કૌભાંડ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી નંદભાઈ મનસુખભાઇ શીંગાળાએ પોતાના નામે દસ લાખની લોન લીધી હોવાની લેખિત ફરીયાદ સીટી પોલીસ સ્ટેશનમાં આપી હતી. આ કૌભાંડ અંગે પોલીસ તલસ્પર્શી તપાસ કરે તો આ કૌભાંડિયાઓ કેટલા લોકો સાથે કેટલી રકમની છેતરપીંડી આચારી છે તે બહાર આવી શકે.
કણકિયા પ્લોટ માં આવેલ એસબીઆઇ બેકનાં હાલના મેનેજરનો સંપર્ક કરતા ભૂતપૂર્વ ચીફ મનેજરને હાલના બેંકના મેનેજર છાવરતા હોઈ એવું લાગી રહ્યું હતું બેકનાં હાલના મેનેજર એકપણ લોન બાબતનું સ્ટેટમેન્ટ આપવા માંગતા ન હોય તેમજ એસબીઆઇ બેંકની પ્રાઈવસી હોઈ તેવું જણાવ્યું હતું સાથે જણાવ્યું હતું કે સમગ્ર બાબતે ઇન્વિસ્તિગેશન થશે ત્યારે હક્કીકત સામે આવશે
હરેશ ભાલીયા જેતપુર


