ખારેકને કોઈ પ્રકારની માવજતની જરૂરિયાત રહેતી નથી આમ ખેડૂતે ખારેકની ખેતી કરી ખેડૂત આવનાર સમયમાં બમણો ફાયદો મેળવી શકશે
સૌરાષ્ટના ખેડૂત હવે પરંપરાગત ખેતી સાથે બાગાયતી ખેતી પણ કરવા લાગ્યા છે. જેથી એક પાકમાં નુકસાન જાય તો બીજા પાકમાં ફાયદો થાય છે. રાજકોટ જિલ્લાના જેતપુરના મંડલીકપુર ગામના બે ખેડૂતભાઈઓ એ પોતાના 11 વીઘા ખેતરમાં ઈજરાયેલ ખારેકની કુદરતી ખેતી કરી છે..
ખારેકની મુખ્યત્વે ખેતી કચ્છમાં થાય છે. કચ્છનું ફળ ગણાતી ખારેકનું સૌરાષ્ટમાં પણ વાવેતર થવા લાગ્યું છે. જેતપુરના ખેડૂત ટીસ્યુક્લચરથી ખારેકની ખેતી કરે છે અને ઉચ્ચ ગુણવતાની ખારેકનું સફળ ઉત્પાદન કરે છે. હાલ પરંપરાગત ખેતીમાં કમોસમી વરસાદ વાવાઝોડું સહિતના મારને લઈ ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન જઈ રહ્યું છે. ત્યારે ખેડૂત હવે પોતાના ખેતરમાં પરંપરાગત ખેતી ઉપરાંત બગાયતી ખેતી કરતા થયા છે. ત્યારે જેતપુર તાલુકાના મંડલીકપુર ગામના ખેડૂત ભાઈઓએ શૈલેષભાઈ રાદડીયા,તેમજ અભયભાઇ રાદડીયાએ પોતાના અગિયાર વીઘા ખેતરમાં ઈઝરાયલી ખારેકનું વાવેતર કર્યું છે. ખેડૂતે ખારેકના એક પ્લાન્ટના 3500 રૂપિયા લેખે લઈ વાવેતર કર્યું છે જેમણે એક વીઘામાં નેવું હજાર જેટલો ખર્ચ થયો છે અને હાલમાં એક વીઘે પચાસ હજારનું ઉત્પાદન ખેડૂત કરે છે.
ખારેકના પ્લાન્ટનો એક વાર ખર્ચ થાય છે
ખેડૂતનાં જણાવ્યા અનુસાર ખારેકના પ્લાન્ટનો એક વાર ખર્ચ થાય છે. ખારેક શાખા વગરનું ઝાડ હોઈ જેથી વાવાઝોડું પવન સામે ટક્કર ઝીલી શકે છે. તેમજ ઓછા પાણીમાં પણ ખારેક પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. ખેડૂતે પોતાના ખેતરમાં પાંચ વર્ષ પહેલા ખારેકનું વાવેતર કરે છે ત્યાર બાદ ત્રણ વર્ષ બાદ ફળ આપવાનું શરૂ કરે છે ખારેકનું ઉત્પાદન આગામી લાંબા સમય સુધી ખેડૂતને ઉત્પાદન આપે છે. ખારેકના ફળો પીળા રંગ અને લાલ રંગના હોઈ છે અને એક ખારેકના પ્લાન્ટમાં 50થી 60 કિલો ઉત્પાદન આપે છે.
ખારેક સાથે અન્ય વાવેતર પણ કરી શકો છો
ત્યારે ખેડૂત પોતે ખારેકનું ઉત્પાદન કરી પોતાના ખેતરમાંજ પેકિંગ કરી ડાયરેક્ટ વેચાણ કરે છે. હાલ હજુ ખારેકની સિઝન આવી છે જેથી માર્કેટમાં ખારેકના 90 રૂપિયાથી 110 રૂપિયા સુધીનો ભાવ બોલાઈ રહ્યો છે. ત્યારે ખેડૂતના જણાવ્યા અનુસાર ખારેકની ખેતી સરળ છે તેમાં રોગ કે જીવાતની સંભાવના ઓછી રહે છે તેને વધુ પાણીની જરૂર રહેતી નથી. વળી ખારેકના શેઢા તળે પણ વાવેતર કરી અન્ય વાવેતર પણ કરી શકાય છે. ખારેકને કોઈ પ્રકારની માવજતની જરૂરિયાત રહેતી નથી આમ ખેડૂતે ખારેકની ખેતી કરી ખેડૂત આવનાર સમયમાં બમણો ફાયદો મેળવી શકશે.
હરેશ ભાલીયા જેતપુર


