ગોંડલ
જેતપુર પંથકની એક યુવતી તેના પાડોશમાં જ રહેતા પરણિત વિધર્મી યુવકના પ્રેમમાં પડી હતી અને ત્રણ સંતાનના પિતા એવા યુવક સાથે લિવ ઈન રિલેશનમાં રહેવા જીદે ભરાઈ હતી. જોકે યુવતીની માતાએ દીકરીને ખૂબ સમજવી પણ ટસની મસ ન થતા અંતે માતાએ મહિલા હેલ્પલાઇન 181 અભયમ ટિમને જાણ કરતા ગોંડલ 181 ટીમના કાઉન્સિલર મનીષા પરમાર, કોન્સ્ટેબલ પુષ્પા સરવૈયા, પાયલોટ જયેશભાઈ હાડા સહિતની ટિમ દોડી ગઈ હતી. યુવતીની માતા પાસેથી વિગત મેળવી હતી કે, યુવતી જ્યાં રહે છે ત્યાં તેમના પાડોશમાં જ રહેતો પરણિત વિધર્મી યુવાન કે જેને સંતાનમાં 2 દીકરી અને 1 દીકરા છે તેની સાથે લિવ ઈન રિલેશનમાં રહેવા યુવતી જીદે ભરાઈ હતી અને તેણી ડોક્યુમેન્ટ લઈ ઘરેથી નીકળી જવા માંગતી હતી. યુવક પણ પાડોશમાં જ રહેતો હોય બન્ને પરિવારો વચ્ચે પણ અવાર નવાર ઝઘડા થતા હતા.
જોકે, યુવતીની માતા યુવતીને તેના દાદાના ઘરે લાવી હતી. જે પછી 181ના કાઉન્સિલરે યુવતીનું કાઉન્સિલિંગ કર્યું હતું. જેમાં મેરેજ અને લિવ ઈન રિલેશન વચ્ચેનું અંતર અને લિવ ઈનમાં રહ્યા પછી ભવિષ્યમાં તેની કેવી અસર થઈ શકે છે તેની સંભાવના અંગે યુવતીને જાણકારી અપાઈ હતી અને તેને વિશ્વાસમાં લીધી હતી. બાદમાં યુવકને બોલાવી તેનું કાઉન્સિલિંગ કરતા યુવક તેની પત્ની અને સંતાનોને છોડી શકે તેમ નથી તેવું સ્પષ્ટ થયું હતું. આ સ્પષ્ટતા બાદ યુવતીને પણ સમજ અપાઈ હતી અને તેણી હવે યુવક સાથે કોઈ સંબંધ નહીં રાખે તેવી ખાતરી આપેલી. સામે પક્ષે યુવકે પણ હવે યુવતી સાથે સંપર્ક નહીં રાખી તેની પત્ની અને સંતાનોમાં ધ્યાન આપશે તેવી બાંહેધરી આપી હતી.
દીકરીને સમજાવી તેની લિવ ઇન રિલેશનમાં રહેવાની જીદ છોડાવી દીકરીનું ભવિષ્ય બગડતા બચાવનાર 181ની ટીમનો યુવતીની માતાએ આભાર માન્યો હતા. અને કામગીરીની પ્રશંસા કરી હતી.
