સુરત
સુરતમાં ચોર ની ટોળકી ફરી બેફામ બની હોય તેવું લાગી રહ્યું છે, ભેસ્તાનમાં એક જવેલર્સની દુકાનમાં ૨ લૂંટારૂઓ ઘૂસી માલિકને ફિલ્મી અંદાઝ માં બંદૂકની અણીએ ડરાવી-ધમકાવીને દાગીના લૂંટ કરવાના ઈરાદે આવ્યા હતા પણ જવેલર્સના માલિકે હિંમત દેખાડી ઝપાઝપી કરતા ખાલી ચોરોને ખાલી હાથે પાછા ભાગવાની નોબત આવી હતી. ભાગવામાં લૂંટારૂઓના હાથમાંથી હથિયાર પડી ગયું હતું. પાંડેસરા પોલીસે લૂંટારૂઓને શોધવા માટે રોડ પર નાકાબંધી કરી ગુનો નોંધી તપાસ શરુ કરવામાં આવી છે. સુરતના અલથાણ ખાતે રહેતા નીરજભાઈ બાફના પાંડેસરા વિસ્તારમાં જવેલર્સની દુકાન ધરાવે છે. તેઓ દુકાને હાજર હતા. તે સમયે બે ઈસમો દુકાનમાં આવ્યા હતા. જેમાં બે પૈકી એક ઇસમેં રિવોલ્વર કાઢી દાગીના આપી દેવા માટે ધમકીઓ આપી હતી. જયારે બીજા ઇસમેં દુકાનમાં ઘુસી લૂંટની કોશિશ કરી હતી. આ દરમ્યાન દુકાન માલિકે પ્રતિકાર કર્યો હતો. જેથી બે પૈકી એક ઇસમેં રિવોલ્વરમાંથી ફાયરીંગ કર્યું હતું. તેમાં દુકાન માલીકનો બચાવ થયો હતો. દુકાન માલિકે પ્રતિકાર કરતા બંને ઈસમો ત્યાંથી નાસી છૂટ્યા હતા. સીસીટીવીમાં તપાસ અર્થે જાેવા માં આવ્યું ત્યારે લૂંટારૂઓ મોટરસાયકલ ઉપર બેખોફ થઈને જ્વેલર્સની દુકાનમાં પ્રવેશતા દેખાય છે. દુકાનમાં પ્રવેશતાની સાથે જ ફિલ્મી અંદાઝમાં બંદૂક માલિકને બતાવે છે તેવું નજરે પડે છે. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે, જ્વેલર્સના માલિક જરાપણ ગભરાયા વગર, હિંમત બતાવી બંનેનો પ્રતિકાર કરે છે. લૂંટારુઓએ માલિક ઉપર ફાયરિંગ પણ કરી દીધું હતું. ફાયરિંગ કર્યા બાદ પણ દુકાનદાર ડર્યા વગર તેનો પ્રતિકાર કરતો રહ્યો છે. આખરે લૂંટારૂઓ ત્યાંથી નાસી ગયા હતા.બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા આ મામલે ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
