દાહોદ
ઝાલોદ તાલુકાના ભાવપુરા ગામેથી એક અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન પુરઝડપે હંકારી પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેણે ત્યાંથી પોતાના કબજાની મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલા ઝાલોદ તાલુકાના મુંડાહેડા ગામે જળાઈ ફળિયામાં રહેતાં સતીષભાઈની મોટરસાઈકલને અડફેટમાં લેતાં સતીષભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં. જેને પગલે તેમને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સતીષભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સંબંધે મૃતક સતીષભાઈના પિતા દેવસીંગભાઈ ટીટાભાઈ આમલીયારે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ભાવપુરા ગામે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં એક અજાણ્યા વાહનની ટક્કરે એક મોટરસાઈકલના ચાલકનુ મોત નીપજતાં ઝાલોદ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
