ભુજ
રાપર તાલુકાના હાઇવે પટ્ટી પર આવેલા કચ્છના પ્રવેશદ્વાર સમા આડેસરની પોલીસે રૂ. ૪૯ લાખની ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૪ હજાર ૨૮૦ બોટલો સાથેની ટ્રક સહિત કુલ રૂ. ૬૫ લાખથી વધુના મુદ્દામાલ સાથે બે શખ્સોને પકડી પાડ્યા હતા. આડેસર પોલીસે નાઈટ પેટ્રોલીંગ દરમિયાન પીએસઆઇ બી. જી રાવલને મળેલી બાતમીના આધારે ટ્રકમાં ચોખાના બાચકાની આડમાં હરીયાણાની બનાવટનો દારૂનો જથ્થો કચ્છમાં ઘુસાડવાનો પ્રયાસ નાકામયાબ કર્યો હતો. કચ્છ પાર્સિંગની ટ્રક નંબર જીજે ૧૨બીવાય ૫૮૭૦ સાથે રાજસ્થાનના ટ્રક ચાલક જેઠારામ ભેરારામ જાટ અને ગોસાઇરામ કિસ્તુરારામ જાટને આ બનાવમાં પોલીસે પકડી પાડ્યા હતા. જ્યારે દારૂનો જંગી જથ્થો મોકલનાર જગદીશ નામના રાજસ્થાનના શખ્સ અને કચ્છમાં દારૂ મંગાવનારા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ દારૂનો જથ્થો પકડી પાડવા સમયે બોર્ડર રેન્જ આઈજી જે. આર. મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલના માર્ગદર્શન હેઠળ આડેસર પીએસઆઇ બી. જી રાવલ, શૈલેષ ચૌધરી, કાંતિસિંહ. વિજયસિંહ, ગાંડાભાઈ, ભરતજી ઠાકોર, ઈશ્વર ભાઈ, મહેન્દ્રસિંહ અને ડ્રાઇવર નિકુલ ભાઈ વગેરે જાેડાયા હતા. આડેસર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ બી. જી રાવલ દ્વારા હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આડેસર પોલીસ દ્વારા રાજ્યમાં સંભવિત સૌથી વધુ દારૂ ઝડપવાનો રેકોર્ડ છે.ગત વર્ષે રૂ. ૭ કરોડથી વધુનો દારૂ સહિતનો મુદામાલ ઝડપવામાં આવ્યો હતો.


