વડોદરા
છેલ્લા ઘણા સમયથી ટ્રેનમાં મુસાફરી દરમિયાન નિંદ્રાધીન મુસાફરોના કિંમતી સામાનની ચોરી થવાની ઘટનાઓ વધતા રેલવે લોકલ ક્રાઇમ બ્રાચના પી.આઇ. ઉત્સવ બારોટ અને તેમની ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ અને સર્વેલન્સ ટીમની મદદથી તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન માહિતીના આધારે ટીમ ત્રણ દિવસ સુધી સ્થાનિક વેષભુષામાં વોચ ગોઠવી આરોપી રાકેશ ઉર્ફ કલ્લુ આહિરવારને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી રૂપિયા ૧૧.૪૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ પ્રકારની ઘટનાને અંજામ આપતાં ગઠિયાને ઝડપી પાડવા અલગ-અલગ વિભાગના અધિકારી તથા પોલીસ કર્મચારીઓએ સંયુક્ત ટીમ બનાવી મિશનને અંજામ આપ્યો હતો. આરોપી ઉત્તરપ્રદેશ હોવાની બાતમી મળતાં પોલીસ કાફલો ઉત્તર પ્રદેશ રવાના થયો હતો. જ્યાં આરોપી પોતાના રહેણાંક સમયાંતરે બદલતો રહેતો હતો. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે સતત ત્રણ દિવસ અલગ-અલગ વેશ ધારણ કરી ખેતર અને સ્થાનિક બજાર સહિતના સ્થળોએ વોચ ગોઠવી હતી. તે સમયે આરોપી એક લગ્ન પ્રસંગમાં પહોંચવાનો હોવાની બાતમી મળતા પોલીસ કર્મચારીઓએ ઉત્તર પ્રદેશના લલિતપુર પાસેના પનારી ગામે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં આરોપી રાકેશ કલ્લુ આહીરવાર હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપી પાસેથી સોનાના બે હાર, સોનાના ત્રણ કડા સોનાની રીંગ વિગેરે મળી ૨૩૩.૭૧૦ ગ્રામ સોનાના દાગીના તથા મોબાઇલ ફોન મળી કુલ ૧૧,૪૨,૨૮૪નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. ટ્રેનોમાં રાકેશ જેવા અનેક ગઠિયા ચોરી કરી રહ્યા છે. મુંબઈના રહેવાસી ૬૩ વર્ષીય દામજીભાઈ ડેઢિયા સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં ભચાઉ જવા મુસાફરી કરી રહ્યા હતા. દરમિયાન ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પાસેથી પસાર થતાં સમએ ટ્રેન ધીમી ગતિએ હોય પ્લેટફોર્મ પૂરું થતાં જ એક શખ્સ તેમના ગળામાંથી સોનાની ચેન તોડી ચાલુ ટ્રેનમાંથી ઉતરી નાસી છૂટયો હતો. ચેન બચાવવાનો પ્રયાસ કરતા વૃદ્ધના હાથમાં ચેનનો એક તોલાનો ટુકડો રહી ગયો હતો. બનાવ અંગે રેલવે પોલીસે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ટ્રેનોમાં નિંદ્રાધીન મુસાફરોના સામાન ચોરી કરતા ઉત્તરપ્રદેશના ગઠિયાને પશ્ચિમ રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી ત્રણ ગુનાના ભેદ ઉકેલ્યા છે. પોલીસે આરોપી પાસેથી રૂપિયા ૧૧.૪૩ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અન્ય ગુનાના ભેદ ઉકેલવા આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
