રાજકોટ
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનું ભાવિ હવે આ તપાસ પર ગયું છે. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપના ધારાસભ્ય અને સાંસદે જે આરોપો મૂક્યા છે આથી જ આ તપાસ કરવાની સરકારને ફરજ પડી હતી અને હવે આ રિપોર્ટ જાહેર કરાશે કે કેમ તે પણ પ્રશ્ન છે. માનવામાં આવે છે કે, ધારાસભ્ય અને સાંસદે પણ હવે આ પ્રકરણમાં મૌન સેવી લીધું છે અને સરકાર કરશે તેવો જવાબ આપવામાં આવી રહ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ હાલમાં આશિષ ભાટીયા સહિતના અધિકારીઓ સાથે પોલીસ ભવનમાં ચર્ચા કરી હતી અને સરકાર કોઈ તાત્કાલિક પગલા લેશે નહી તેવા સંકેત છે અને મામલો શાંત થવા દેશે તે વચ્ચે મનોજ અગ્રવાલને ગાંધીનગરમાં પોલીસ ભવનમાં કોઈ ડેસ્ક ડ્યૂટી સોંપી દેવાઈ તેવી પણ ધારણા છે. લેટરબોમ્બમાં ૧૫ કરોડની છેતરપિંડીના ફરિયાદી મહેશ સખિયા, તેનો પુત્ર કિશન, ભાઈ જગજીવન સખિયા સહિતના નિવેદનો નોંધાઈ ચૂક્યા છે. આ સિવાય પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, પીઆઈ વી.કે. ગઢવી અને પીએસઆઈ સાખરાનું નિવેદન પણ નોંધાય ચૂક્યું છે. તેમજ ફરિયાદી અને પોલીસ વચ્ચે મધ્યસ્થી બનેલા ડો.તેજસ કરમટાનું પણ નિવેદન નોંધાઇ ચૂક્યું છે. છતાં આટલી ઢીલ શું કામ એ મોટો સવાલ ઉઠ્યો છે. આ મુદ્દે ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે, સરકાર તપાસ કરી રહી છે. પરંતુ બીજી તરફ આટલા સમયે અને પૂરતા પૂરાવા પછી પણ કશું થતું નથી તો ભીનુ સંકેલાય જશે તેવી ચર્ચાએ પણ જાેર પકડ્યું છે. તપાસનીશ અધિકારી વિકાસ સહાય દ્વારા ૭ ફેબ્રુઆરીએ સતત ૮ કલાક સુધી ફરિયાદી અને સાક્ષીની નિવેદન નોંધવાની કાર્યવાહી ચાલી હતી. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ વિરુદ્ધ થયેલા આક્ષેપ મામલે મુખ્ય ફરિયાદી મહેશ સખિયા, તેમના ભાઇ જગજીવન સખિયા, પુત્ર કિશન સખિયા અને એક સાક્ષીનું નિવેદન નોંધાવામાં આવ્યું હતું. જેમાં વિકાસ સહાય તેમજ એક એસપી, એક પીઆઈ અને રાઇટરની હાજરીમાં નિવેદન નોંધવામાં આવ્યા હતા. ૮ કલાકના નિવેદનમાં જગજીવનભાઇનું ૬ પેજમાં, મહેશભાઈનું ૭ પેજમાં, કિશનનું ૫ પેજમાં અને સાક્ષીનું પણ લગભગ ૫ પેજમાં નિવેદન નોંધવામાં આવ્યું હતું ૭ ફેબ્રુઆરીએ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ વી.કે. ગઢવી અને પીએસઆઈ સાખરાના નિવેદન લેવામાં આવ્યા હતા. જ્યારે ૮ ફેબ્રુઆરીએ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને ગાંધીનગરનું તેડું આવ્યું હતું. વિકાસ સહાયએ અંદાજીત ૩ કલાકથી વધુ સમય સુધી મનોજ અગ્રવાલની પૂછપરછ કરી નિવેદન નોંધ્યું હતું. ૮ ફેબ્રુઆરીએ એક તરફ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને ગાંધીનગર ખાતે નિવેદન અર્થે બોલાવવામાં આવ્યા હતા. બીજી તરફ તપાસની એક ટીમ રાજકોટ પહોંચી હતી, જેમાં ખુદ એસપી હરેશ દુધાત રાજકોટ પહોંચ્યા હતા. ગાંધીનગરની ટીમ અરોપી ધર્મેશ બારભાયાના ઘરે પહોંચી તપાસ કરી હતી. બાદમાં સીઆઈડી ક્રાઈમની ઓફિસે સાક્ષીઓને બોલાવવામાં આવ્યા હતા. જેમાંના એક સાક્ષી ડો.તેજસ કરમટાની પૂછપરછ કરવામાં આવી હતી. ડો.તેજસ કરમટા ફરિયાદી સખિયા બંધુ અને પોલીસ વચ્ચે મધ્યસ્થી બન્યા હતા. બાદમાં ફરિયાદી મહેશ સખિયા, તેનો પુત્ર કિશન અને ભાઈ જગજીવન સખિયાનું ક્રોસ વેરિફિકેશન માટે નિવેદન નોંધવામાં આવ્યું હતું. રાજકોટ આવેલી તપાસની ટીમ દ્વારા દીવાનપરા પોલીસ ચોકી કે જ્યાં તત્કાલિન પીએસઆઈ સાખરા બેસતા ત્યાં પહોંચી હતી. બાદમાં દીવાનપરા પોલીસ ચોકી ખાતે ટીમ આરોપી ધર્મેશ સોનીના ઘરે પણ પહોંચી હતી. અહીં પીએસઆઈ સાખરા અને તેમના સાથી કર્મીને ગોંધી રાખવામાં આવ્યા હતા અને બાદમાં પોલીસે સોની પરિવારની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ તપાસની ટીમ સીઆઈડી ક્રાઇમ ઓફિસ પહોંચી સમગ્ર બનાવના સાક્ષીને બોલાવવામાં આવ્યા હતા.


