Gujarat

ડીસામાં શક્કરટેટી અને તરબૂચનું ધરું તૈયાર કરી વાવેતર કરવાની શરૂઆત કરવામાં આવી

પાલનપુર
બનાસકાંઠા જિલ્લામાં શિયાળુ ઋતુમાં બટાકાનો પાક લીધા બાદ તરત જ એ જ ઋતુની અંદર અંદાજિત ૩૫૦૦ હેક્ટર જેટલા વિસ્તારમાં શક્કરટેટી અને તરબૂચની ખેતી થાય છે. આ પાકો ઓછા સમયમાં વધુ કમાણી કરી આપે છે. આધુનિક સાધનો વડે મલચિંગ કરી ટપક પદ્ધતિ પિયત દ્વારા વાવેતર થાય છે. જેના લીધે પાણીની બચત થાય છે. પરંતુ આ પાકોનું વાવેતર બિયારણ દ્વારા કરવાથી શરૂઆતની અવસ્થામાં ફૂગ અને ગાળા પડવાનો તેમજ નેમેટોડના પ્રશ્નો ઘણા સમયથી જાેવા મળે છે. તે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડીસા દ્વારા છેલ્લા બે વર્ષથી શક્કરટેટી અને તરબૂચનું ધરું તૈયાર કરી ખેડૂતોને નિદર્શન આપીને વાવેતર કરાવવાની શરૂઆત કરવામાં આવી છે. આ બંન્ને વેલ વર્ગીય પાકો હોવાથી ખેડૂતોને રસ ઓછો હતો, પરંતુ કેવિકે ડીસાના વૈજ્ઞાનિક ડોક્ટર યોગેશ પવાર દ્વારા પ્લગ ટ્રેની અંદર શક્કરટેટી અને તરબુચના ૨૦ દિવસના ધરું તૈયાર કરી ખેડૂતોને નિદર્શન અને તાલીમ આપી જાગૃત કરવામાં આવ્યા છે. જેના પરિણામે શરૂઆતની અવસ્થામાં આવતા રોગ, જીવાત તેમજ નેમેટોડના પ્રશ્નો ઓછા થતાં ખેડૂતોને ઊંચા બજાર ભાવ મળવાથી આ વર્ષે આ તકનીક મોટા પાયા ઉપર ખેડૂતોએ અપનાવાની શરૂઆત કરી દીધી છે. આ તકનીક ની વાત કરીએ તો શિયાળુ પાક ખેતરમાં ઉભો હોય ત્યારે જ પ્લગ ટ્રે નર્સરીમાં શક્કર ટેટી અને તરબૂચનું બિયારણ વાવવામાં આવે છે અને ૨૦ દિવસના ધરુંની ફેર રોપણી કરવામાં આવે છે. જેમાં ગાળા પાડવાના પ્રશ્નો તેમજ નેમેટોડ જાેવા મળતો નથી અને પાક ૫૦-૫૫ દિવસમાં તૈયાર થાય છે. જેના લીધે ૨૦ દિવસ વહેલા પાક બજારમાં આવવાથી ૧૫-૧૬ રૂપિયા પ્રતિ કિલો વેચાણ થાય છે અને બિયારણથી વાવેલો પાક વેચાણ માટે આવે ત્યારે ૬-૮ રૂપિયા પ્રતિ કિલો ભાવ મળતો હોય છે. જેથી ખેડૂતોને પ્રતિ વીઘા ૫૦ હજાર રૂપિયા વધુ આવક મળે છે. ખર્ચમાં ફક્ત ૨૦૦૦ પ્રતિ વીઘા ફેર પડે છે અને ભવિષ્યમાં ખેડૂતો આવી તકનીક દ્વારા ખેતી કરે તો એક જ ઋતુમાં બમણી આવક મેળવી શકે છે. ચાલુ વર્ષે બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો અને નર્સરી ધારકોને ધરું તૈયાર કરવા માટેની તાલીમ આપવામાં આવી હતી. જેના પરિણામે રાણપુર, જુનાડીસા, વાસણા, ખેડા, વાંસડા જેવા ગામડાઓમાં મળીને અત્યાર સુધી અંદાજિત કુલ ૧૨થી ૧૫ લાખ જેટલા રોપાનું વાવેતર થયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *