નર્મદા
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ગડી ગામના ત્રણ યુવાઓ મોટરસાયકલ ઉપર જતા હતા. તે દરમિયાન બેસણા ગામ નજીક અચાનક મોટરસાયકલ સવાર યુવાને સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા મોટરસાયકલ ઝાડ સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે યુવાઓનું મોત થયું છે. જ્યાં અન્ય એક યુવાન હાલ સારવાર હેઠળ હોવાની માહિતી મળી છે. મળતી માહિતી અનુસાર, ડેડીયાપાડા તાલુકાના ગડી ગામના વચલા ફળિયાના રહેવાસી ચેતનભાઇ રમેશભાઈ વસાવા પોતાના કબજાની મોટરસાયકલ ગાડી પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી રહ્યાં હતા. જ્યાં મોજે બેસણા ગામ નજીક ટેકરા પાસે આવતાં અચાનક મોટરસાયકલના સ્ટિયરીંગ પર કાબૂ ગુમાવી દેતા રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે મોટરસાયકલ ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક ચેતનભાઇ રમેશભાઈ વસાવાને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતુ. તેમજ અન્ય મુકેશભાઈ અમરસિંહભાઈ વસાવા તથા પ્રકાશભાઈ દેવજીભાઈ વસાવાને ગંભીર ઈજા પહોંચતા તેઓને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મુકેશભાઈ અમરસિંગભાઈ વસાવાને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં લઈ જતા દરમિયાન રસ્તામાં મોત થયું હોવાની જાણકારી મળી છે. તથા પ્રકાશભાઈ દેવજીભાઈ વસાવા હાલ સારવાર હેઠળ હોવાની જાણ ડેડીયાપાડા પોલીસને થતાં ડેડીયાપાડા પોલીસે કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
