નર્મદા
ડેડીયાપાડા તાલુકાની સગાઈ રેન્જ દ્વારા સાગી લાકડાંના બે લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓ વન વિભાગ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. કુલ મુદ્દામાલ ટેમ્પો સાથે ૭,૫૦,૦૦૦નો ઝડપી પાડ્યો હતો. નર્મદા નાયબ વન સંરક્ષક નિરજ કુમારના માર્ગદર્શન હેઠળ એ.સી.એફ. આઈ.વાય. ટોપિયા રાજપીપળા નોર્મલ દ્વારા દેડિયાપાડાની સગાઈ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઉન્નતિ પંચાલ, ફુલસર રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભરત તડવી, રાઉન્ડ ફોરેસ્ટર કે.સી. વસાવા મોરજડી, અન્ય જંગલ કર્મચારી અને રોજમદારોઓએ બાતમીના આધારે ગત રાત્રે પેટ્રોલિંગમા હતા. એ દરમિયાન મોઝદાથી દેડિયાપાડા વચ્ચે બેસણાં ગામ પાસે સાગી લાકડાં ભરેલો આઈસર ટેમ્પો પૂર ઝડપે આવતાં તેની તપાસ કરતા સાગી લાકડાં નંગ. ૫૦ ઘન મીટર ૬૦૨૫ કિંમત રૂપિયા ૨ લાખ, આઈસર ટેમ્પો કિંમત રૂપિયા ૫,૫૦,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૭,૫૦,૦૦૦ના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હાર્દિક અશોક હીરપરા રહે.સુરત, ઈશ્વર મૂળજી વસાવા રહે.બોગજ તા. દેડિયાપાડા જી. નર્મદા, મહેન્દ્ર ફુલ સિંગ વસાવા રહે. બેસણાં તા. દેડિયાપાડા જી. નર્મદાને પકડી પાડી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ સગાઈ રેન્જમાં જંગલ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેની તપાસ સગાઈ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઉન્નતિ પંચાલ કરી રહ્યાં છે. દેડિયાપાડાની સગાઈ અને અન્ય ચાર રેન્જ દ્વારા અત્યારે કડકડતી ઠંડીમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. તેને કારણે લાકડાં ચોરમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
