ગીર સોમનાથ
તાલાલા ગીરના ગુમ થયેલા યુવાનની હરીપુર-ભાલછેલ ગામના રોડ ઉપરથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પોલીસે લાશનો કબજાે લઈ તપાસ હાથ ધરી છે. મૃતકના માથામાં ગંભીર ઈજા પ્રાથમીક તપાસમાં જણાતું હતું. આ માટે લાશનું ફોરેન્સીક પેનલ પીએમ કરાવવા અર્થે જામનગર મોકલવામાં આવી છે. આ અંગે તાલાલા પીએસઆઈ રાકેશ મારૂએ માહિતી આપતા જણાવેલ કે, તાલાલા શહેરમાં શ્રી બાઈ આશ્રમ પાસે રહેતા અને મજુરી કામ કરતા જેઠા બાબુ મકવાણા (ઉ.વ.૪૫) ગત તા. ૩ ના રોજ ગુમ થયાની તેમના બહેન કાન્તાએ તાલાલા પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે ગુમ થયેલા યુવાનની ભાળ મેળવવા તુરંત વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પંથકના હરીપુર ગીરથી ભાલછેલ ગામ તરફ જતા રસ્તા પાસેથી એક લાશ મળી આવી હતી. જે લાશનો કબજાે લઈ પોલીસે તપાસ કરતા મૃતક તાલાલા ગીરથી ગુમ થયેલા જેઠા મકવાણા હોવાનું જાણવા મળેલું હતુ. જેથી મૃતકના બહેનને બોલાવી મૃતકની ઓળખ વિધી કરી હતી. તાલાલાનો ગુમ થયેલ યુવાનની શંકાસ્પદ હાલતમાં મળેલ લાશનો વિસ્તાર મેંદરડા પોલીસમાં આવતો હોવાથી તપાસ દરમિયાન એકત્ર કરેલી વિગતો સાથે શંકાસ્પદ હાલતમાં મળેલ લાશને વધુ તપાસ માટે મેંદરડા પોલીસને સોંપી હતી. મૃતકના માથામાં ગંભીર ઈજા પ્રાથમીક તપાસમાં જણાતું હતું. તાલાલાના યુવાન જેઠા મકવાણાની શંકાસ્પદ હાલતમાં મળેલી લાશની સચોટ વિગત જાણવા મેંદરડા પોલીસે પેનલ પી.એમ. માટે જામનગર મોકલી હતી. મૃતકની પ્રાથમિક મેડીકલ તપાસમાં માથામાં બોથડ પદાર્થની ઈજા હોવાનું દેખાતા પોલીસે બોડી ફોરેન્સીક પેનલ પી.એમ. કરાવવા માટે જામનગર મોકલી હોવાનું જાણવા મળે છે.


