૧૫મી ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવાર નિમિતે યોજવામાં આવેલ હર ઘર તિરંગા કાર્યક્રમ અનુસંધાને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા જૂનાગઢ પોલીસ વિભાગ દ્વારા પણ દરેક પોલીસ સ્ટેશન, પોલીસ અધિકારીઓની કચેરીઓ તેમજ પોલીસ લાઈનમાં તિરંગા ફરકાવવામાં આવ્યા હતા.
જૂનાગઢ શહેરમાં પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીની અધ્યક્ષતામાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ડીવાયએસપી આર.વી.ડામોર સહિતના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા શહેરમાં વિશાળ કાફલા સાથે તિરંગા યાત્રા નિકળી હતી. આ રેલીમાં પોલીસ મોબાઈલ, મોટર સાયકલો, બેન્ડ સાથે વિશાળ કાફલામાં પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ જોડાયો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા આયોજિત તિરંગા યાત્રા પોલીસ હેડ ક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડ ખાતેથી નીકળી, જલારામ સોસાયટી, તળાવ દરવાજા, ગાંધી ચોક, ચિતાખાનાં ચોક, માંડવી ચોક, સુખનાથ ચોક, જેલ રોડ થઇને સરદાર પટેલ દરવાજા રેલવે સ્ટેશન ચોક ખાતે પૂરી થઇ હતી. જૂનાગઢ પોલીસ દ્વારા આયોજિત તિરંગા યાત્રાનું અલગ અલગ જગ્યાએ લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું.