Gujarat

 દરમિયાન યોજાનારી વિકાસયાત્રાને અનુલક્ષીને બેઠક યોજાઇ 

 સમગ્ર રાજયમાં આજથી યોજાઇ રહેલા વિકાસયાત્રાના કાર્યક્રમોની શ્રૃંખલામાં આગામી તા. ૨૨/૦૬/૨૦૨૨થી તા. ૨૮/૦૬/૨૦૨૨ દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં યોજાનારી વિકાસયાત્રાને અનુલક્ષીને જિલ્લા સેવાસદન ખાતે આવેલા સંકલન સમિતિ, હોલમાં જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી.
 બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપતા જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા આગામી તા. ૨૨/૦૬/૨૦૨૨ થી તા. ૨૮/૦૬/૨૦૨૨ દરમિયાન છોટાઉદેપુર ખાતે આવેલા શ્રી. એસ.એન.કોલેજ ગ્રાઉન્ડ ખાતે વિકાસયાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રદર્શન સહ વેચાણ સ્ટોલની આયોજન કરવામાં આવશે. જેમાં સ્થાનિક ખેડૂતો, સખીમંડળની બહેનો, ખાદી અને ગ્રામોદ્યોગ, વાંસકામ સહિતના ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવશે. તા. ૨૨/૦૬/૨૦૨૨ના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે રાજયના મહિલા અને બાળ કલ્યાણ, સામાજીક  ન્યાય અને અધિકારિતા રાજયમંત્રી શ્રીમતી મનિષાબેન વકીલના હસ્તે ગુજરાત વિકાસયાત્રા પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવશે.
 તા. ૨૨/૦૬/૨૦૨૨ થી શરૂ કરીને સાત દિવસ સુધી ચાલનારા આ વિકાસયાત્રા પ્રદર્શનનો કાર્યક્રમ સુપેરે પાર પડે એ માટે જિલ્લા કલેકટરે તમામ અધિકારીઓને ખભેખભા મિલાવી તૈયારીઓમાં લાગી જવા અનુરોધ કર્યો હતો. તેમણે કાર્યક્રમના સ્થળે કરવાની વ્યવસ્થાઓ અંગે વિગતે વાત કરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ટી.કે.ડામોરને દરેક વિભાગને તેમની જરૂરિયાત અનુસાર કેટલા સ્ટોલ ફાળવા એ અંગે વિગતવાર આયોજન કરવા જણાવી તેમણે દરેક વિભાગ સાથે સંકલન સાધવા જણાવ્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ઉત્પાદિત વસ્તુઓના વેચાણ અંગે યોગ્ય વ્યવસ્થા થાય એવી તેમણે અપેક્ષા વ્યક્ત કરી હતી.
 બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટર ડી.કે.બારીઆએ કર્યું હતું. બેઠકમાં પ્રયોજના વહીવટદાર વી.સી.ગામીત, ડેપ્યુટી કલેકટર સુશ્રી. આર.એન.કુશવાહ, પ્રાંત અધિકારી ઉમેશ શાહ, જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *