દાહોદ
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજૂરી ગામેથી એક બોલેરો ગાડીમાંથી પોલીસે રૂપિયા ૧ લાખ ૭૦ હજાર ૫૬૦નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. સાથે જ બોલેરો ગાડી મળી કુલ રૂપિયા ૪ લાખ ૭૦ હજાર ૫૬૦નો મુદ્દામાલ કબજે કરી ચાર જેટલા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધાનપુર પોલીસે મળેલી બાતમીના આધારે ખજૂરી ગામે નાકાબંધી કરી આવતા જતા તમામ નાનામોટા વાહનોની તપાસ હાથ ધરી હતી. તે સમયે બાતમીમાં દર્શાવેલી એક બોલેરો ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી. પોલીસને જાેઇ ગાડીનો ચાલક નાસી જવામાં સફળ રહ્યો હતો. જ્યારે પોલીસે ગાડીની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની ૧૨૧૬ બોટલો જેની કિંમત રૂ. ૧ લાખ ૭૦ હજાર ૫૬૦ અને બોલેરો ગાડીની કિંમત મળી કુલ રૂપિયા ૪ લાખ ૭૦ હજાર ૪૬૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ધાનપુર પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરનાર રીંકેશ રમલાભાઈ રાવત, મનીષ બામણીયા, ઉમેશ શકરાભાઈ સંગાડીયા અને બોલેરો ગાડીનો ચાલક મળી કુલ ચાર ઈસમો વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
