ગાંધીનગર
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ‘સીએમ’ના હુલામણા નામથી જાણીતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.એમ. ત્રિવેદી નિત્યક્રમ મુજબ પોતાની કચેરીએ આવી પહોંચે છે. તેમની ગાડી દરવાજાની અંદર પ્રવેશ કરતી વેળાએ સીએમની નજર એક દિવ્યાંગ વૃદ્ધ પર પડે છે. ઉનાળાનાં બળબળતા તાપમાં વૃદ્ધને કોર્પોરેશન કચેરી તરફ જતા જાેઈને ડેપ્યુટી કમિશ્નર સીએમ પોતાને રોકી શકતા નથી અને તુરંત જ ગાડીમાંથી ઉતરીને વૃદ્ધ પાસે દોડી જાય છે અને કર્મચારીને દોડાવીને વ્હીલચેર પર બેસાડી કચેરીનાં ગેટની અંદરની તરફ છાંયડામાં લઈ આવે છે. આકરા તાપમાં આવેલા વૃદ્ધને કચેરીમાં આવવાનું કારણ પુછે છે. એટલે વૃદ્ધ કહે છે કે ટેક્સ બિલ ભરવા માટે અહીં આવ્યો છું. આ સાંભળીને ડેપ્યુટી કમિશ્નર સીએમ ત્રિવેદી તુરંત જ એક કર્મચારીને બોલાવે છે. જેને ટેક્સ બિલ અને પૈસા આપીને ટેક્સ બિલ ભરવા માટે મોકલી આપે છે. વાત અહીંથી પૂર્ણ નથી પરંતુ સીએમ ત્રિવેદી વૃદ્ધની પાસે જ ઉભા રહે છે. આ જગ્યાએ બીજું કોઈ હોય તો રવાના થઈ જાય. જાે કે સીએમ ત્રિવેદી વૃદ્ધ સાથે આત્મીયતા ભરી રીતે વાતચીતનો દોર શરૂ કરે છે. અને પેન્શન નિયમિત મળે છે કે નહીં સહિતની વિગતો પૂછે છે. એટલામાં જ કર્મચારી ટેક્સનું બિલ ભરીને આવી જાય છે. જેની પહોંચ વૃદ્ધનાં થેલામાં મૂકીને એડવાન્સ ટેક્સના બાકીના વધેલા પૈસા પણ પરત કરે છે. વૃદ્ધને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપીને કહે છે કે, હવે પછીથી કોર્પોરેશન તેમજ અન્ય કોઈપણ સરકારી કચેરીનું કામકાજ હોય તો સીધો મારો સંપર્ક કરજાે, મારો માણસ આવીને તમારા બધા સરકારી કામ પતાવી આપશે. છેલ્લે વૃદ્ધ પણ સીએમની મદદથી ગદ્દગદિત થઈ જાય છે. વળી પાછું સીએમ પોતાના સ્ટાફને સૂચના આપે છે વડીલને ગાડીમાં ઘરે મુકી આવો. જાેકે, વૃદ્ધ ત્રણ પૈડાંની ગાડી લઈને આવ્યા હોઇ તેઓ સીએમનો દિલથી આભાર વ્યક્ત કરે છે અને કર્મચારી વૃદ્ધને તેમની ગાડી સુધી પણ મૂકી આવે છે. આ સમગ્ર વાર્તાલાપ દરમિયાન કચેરીમાંથી આવતાં જતાં અનેક લોકો સાંભળીને પસાર થઈ રહ્યા હોય છે. ત્યારે એક જ ઉદ્દગાર બોલતા સાંભળવા મળ્યા કે સરકારી અધિકારી હોય તો ડેપ્યુટી કમિશ્નર સીએમ ત્રિવેદી જેવા.ગાંધીનગર મ્યુનિસિપલ કચેરી ખાતે બળબળતા તાપમાં ટેક્સ બિલ ભરવા માટે આવેલા એક દિવ્યાંગ વૃદ્ધને વ્હીલચેર પર બેસાડી તાબડતોબ તેમનું કામ પૂર્ણ કરાવીને ભવિષ્યમાં કોઈપણ સરકારી કામકાજ અર્થે સીધો પોતાનો વિના સંકોચ સંપર્ક કરવા માટે વિઝિટિંગ કાર્ડ આપીને માનવતા મહેંકાવતા અધિકારીને જાેઈને અહીં આવતા સૌ કોઈનાં મોઢામાંથી એકજ ઉદ્દગાર નીકળ્યા હતા કે સરકારી અધિકારી હોય તો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.એમ. ત્રિવેદી જેવા.
