ચોમાસા પહેલા આ નવા પુલનું કામ પૂરૂ કરવામાં નહી આવેતો વાડી વિસ્તાર તેમજ આજુબાજુના ૨૦ જેટલા ગામોના લોકો સંપૂર્ક વિહોણા બની જશે..
ઊના -ઊનાના દેલવાડા ગામે આશરે ૧ મહીના પહેલા દેલવાડા ગામની નદી પર જુના પુલને તોડી અને નવો પુલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યુ છે. આ પુલ ખાણ, કાળાપાણ, રજપુત રાજપરા, સૈયદ રાજપરા, અંજાર, કોઠારી, આમોદ્રા, દાંડી, ખજુદ્રા, સીમર, ગરાળ, મોઠા, સંજવાપુર, દુધાળા માણેકપુર, સનખડા આમ આજુબાજુના ૨૦ જેટલા ગામોને દેલવાડા ગામ સાથે જોડે છે. અને દરરોજ હજારો લોકો આ પુલ ઉપરથી પસાર થઇને એક ગામથી બીજા ગામે અવર જવર કરે છે. અને દેલવાડા નદીમાં દરવર્ષે ચોમાસા દરમ્યાન પુર આવે ત્યારે લોકોને એક બીજા ગામે પુલ ઉપરથી જવા આવવામાં ભારે મુશ્કેલી પડે છે. અને તમામ વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઇ જાય છે. તેમજ દર વર્ષે આ પુલ પરથી કોઇ પાણીમા તણાઇ તેમજ નદીમાં ડુબી જવાથી મોત નિપજે છે. હાલ ચોમાસા નજીક હોય આ જુનો પુલ તોડી નવો પુલ બનાવવાની કામગીરી શરૂ છે. પરંતુ ચોમાસા પહેલા આ નવા પુલનું કામ પૂરૂ કરવામાં ન આવેતો સામેના ભાગે આવેલ વાડી વિસ્તાર તેમજ આજુબાજુના ૨૦ જેટલા ગામોના લોકો સંપૂર્ક વિહોણા બની જાય અને લોકોને કપરી પરિસ્થિતીનો સામનો કરવો પડે તેવી ભયંકર સ્થિતીનું નિર્માણ થાય તેમ છે. આથી ચોમાસા પહેલા નવા પુલની કામગીરી વહેલી તકે અને તાત્કાલીક ધોરણે પૂર્ણ કરવા દેલવાડા ગ્રામ પંચાયત, પૂર્વ મંત્રી પ્રદેશ યુવા ભાજપના વિજયભાઇ બાંભણીયાએ મુખ્યમત્રીને લેખિત રજુઆત કરેલ છે.
