સુરત
૬-૭ વર્ષ દરમિયાન ૨૦૮ જેટલી હોસ્ટેલો નિર્માણ કરવાના સંકલ્પ સાથે આગળ ધપી રહેલા આ સેવાયજ્ઞના ફળ સ્વરૂપે આજે ૧૦૯ હોસ્ટેલોના લોકાર્પણ થઈ ચુક્યાં છે. ૩૦ જેટલી તૈયાર થવાની આરે છે અને બાકીની ૪૦ માટે સ્થળ પસંદ કરવાનું બાકી છે. કુલ ૧૦૦ કરોડ જેવી માતબર રકમના આ સેવાકાર્યમાં શહેરના માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્ર્સ્ટ સાથે ૧૭૧ જેટલા દાતા પણ જાેડાયા છે. કેટલાક દાતા પ્રતિષ્ઠિત કંપનીના માલિકો છે તો કેટલાક સામાન્ય છે. એક વડીલે ૪૫ લાખની મૂડી આપી છે. એક વડીલના પત્ની અવસાન પામતાં વીમા રકમ દાન આપી છે. એક સિનિયર સિટીઝનનું ગ્રુપ છે તેમણે પણ દાન આપ્યું છે. અમારી કર્મયોગી ટીમના ૩૦ વ્યક્તિ સંસ્થાનું હૃદય છે. બધી જ હોસ્ટેલોમાં અમારું અડધું યોગદાન અને બાકીનું અડધું દાતાનું હોય છે. હોસ્ટેલનું નામકરણ જે તે દાતા કે સંસ્થાનું હોય છે. જ્ઞાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદ છોડી માત્રને માત્ર માનવતાવાદ પર કામ થઈ રહ્યું હોવાનું કેશુભાઈએ જણાવ્યું હતું. અત્યાર સુધીમાં આસામ, ઓરિસ્સા, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, કચ્છ, જામનગર તેમજ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોના ગામડાંઓમાં હોસ્ટેલો તૈયાર કરી છે. વિનોબા ભાવેના વિચારોથી પ્રભાવિત થઈને માત્ર એક જગ્યાએ વિદ્યાર્થીઓ માટે સ્કૂલ કે હોસ્ટેલ તૈયાર કરવી તેવા સંકલ્પને અસંખ્ય દાતાઓએ પ્રેરકબળ પૂરું પાડી નાનકડાં છોડને વટવૃક્ષ બનાવી દીધું છે. ૧૦૯નાં લોકાર્પણ થઈ ગયાં. બીજી ૩૦ તૈયાર થવાની આરે છે. હજારો બાળકોને હોસ્ટેલોનો સીધો લાભ મળશે. આદિવાસી ગામોમાં રવિવારે ૧૦૮-૧૦૯મી હોસ્ટેલોનું ઉદઘાટન થયું છે. બાળપણમાં ખૂબ ગરીબી હોવાથી મને કપડાં, ખોરાક કે સારી ચીજવસ્તુઓ મળી ન હતી. આવું દર્દ મેં આ બાળકોમાં જાેયું છે, તેથી તેઓ અભ્યાસથી વંચિત રહી ન જાય તે માટે કંઈક કરવું જાેઈએ તેવો વિચાર આવતા સંકલ્પ કરાયો હતો. મિત્ર ઘનશ્યામ ભોજાણી સાથે મળીને ૨૦૧૫માં કાકરાપાર નજીક બેડકૂવાદૂર ગામે ૧૧.૮૯ લાખના ખર્ચે હોસ્ટેલ તૈયાર કરી. જેમાં હાજર કેટલાક મહેમાનોમાંથી બે-ત્રણ આગળ આવતાં ૫ હોસ્ટેલની તૈયારી કરાઈ. જાે કે, ધીમે ધીમે દાતાઓ વધતાં ૫૧ હોસ્ટેલો બનાવવા વિચાર્યું. એક વખત એક મિત્ર પ્રદીપ સિંઘીએ મને કહ્યું કે ૧૦૮ હોસ્ટેલ બનાવવાનો સંકલ્પ કરો. આજે ૨૦૮ના સંકલ્પ સુધી અમે પહોંચ્યા છીએ, જેમાં ૧૭૧ દાતાઓ છે.