અમદાવાદ
ગુજરાતમાં અત્યાર સુધીમાં ૮૫ લાખથી વધુ શ્રમિકોના રજિસ્ટ્રેશન થયા છે. સૌથી વધુ ૩૧.૧૦ લાખનું રજિસ્ટ્રેશન એટલે કે ૩૭ ટકાનું માત્ર જાન્યુઆરી મહિનામાં થયું છે. શ્રમિકોના રજિસ્ટ્રેશન મામલે હાલ દેશમાં નવમા ક્રમે છે. ચાલુ વર્ષમાં રજિસ્ટ્રેશનની કાર્યવાહીમાં વધુ ઝડપ આવતાં રેન્કિંગમાં સુધારો નોંધાયો છે. રાજ્યમાં રજિસ્ટર થયેલા ૮૫ લાખ શ્રમિકો પૈકી ૭૫.૧૦ લાખ (૮૮ ટકા) શ્રમિકો એવા છે જેમની માસિક આવક ૧૦ હજાર કે તેથી ઓછી છે. ૬.૮૨ લાખ (૮ ટકા) શ્રમિકોની આવક ૧૦ હજારથી ૧૫ હજારની વચ્ચે છે, ૧,૩૩,૪૨૭ (૧.૫૭ ટકા) શ્રમિકોની આવક ૧૫થી ૧૮ હજાર સુધીની, ૧૮થી ૨૧ હજાર આવક ધરાવતા શ્રમિકોની સંખ્યા ૬૭,૦૫૫ (૦.૭૯ ટકા) છે. માત્ર ૧.૧૦ લાખ (૧.૨૯ ટકા) શ્રમિકો એવા છે જેમની આવક ૨૧ હજાર કે તેનાથી વધુ છે. મે ૨૦૨૧માં થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે પ્રવાસી શ્રમિકોના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ખૂબ ધીમી હોવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે રજિસ્ટ્રેશનનો એક ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે સરકારી કલ્યાણાકરી યોજનાઓ સંબંધિત અસંગઠિત/પ્રવાસી શ્રમિકો સુધી પહોંચે જેથી તેનો લાભ મળી શકે. એડિશિનલ સોલિસિટર જનરલે રેકોર્ડના સંબંધમાં થોડો વધુ સમય માંગ્યો હતો. ત્યારે કોર્ટે કેન્દ્રને રાજ્યોથી તમામ આવશ્યક જાણકારી પ્રાપ્ત કરવાના નિર્દેશ આપ્યા.આ મામલે હવે ૨૦ જુલાઈએ આગામી સુનાવણી થશે.કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે રાજ્યો દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ લગભગ ૨૭.૪૫ કરોડ અસંગઠિત અને પ્રવાસી શ્રમિકોનું ઇ-શ્રમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન થયું છે. કેન્દ્ર તરફથી રજૂઆત કરી રહેલી એડિશનલ સોલિસિટર જનરલ એશ્વર્યા ભાટીએ જણાવ્યું કે કામદારોને રજિસ્ટ્રેશન માટે પોર્ટલ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઇએ)ના પરામર્શથી વિકસિત કરવામાં આવ્યું છે.