અંકલેશ્વરની એસવીઇએમ ગુજરાતી માધ્યમમાં ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ રાજ્ય કક્ષાની ઇન્ટરમિડિયેટ ડ્રોઈંગ ગ્રેડ પરીક્ષામાં A ગ્રેડ સાથે 93 માર્ક્સ મેળવી ભરૂચ જિલ્લા સાથે અંકલેશ્વર શહેરનું ગૌરવ વધાર્યું છે.
અંકલેશ્વરની ધનલક્ષ્મી સોસાયટીમાં ધર્મેન્દ્રસિંહ ચૌહાણ પત્ની કિંજલ અને બે પુત્રીઓ સાથે રહે છે. ધર્મેન્દ્રસિંહ ખેડૂત હોય ખેતીનું કામકાજ સંભાળે છે. જ્યારે તેમના પત્ની કિંજલબા રાજકારણ આગવી ઓળખ ધરાવે છે. તેઓ હાલમાં અંકલેશ્વર નગરપાલિકાના સભ્ય અને પાલિકા સંચાલિત પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે. જોકે અંકલેશ્વરની એસવીઈએમ સ્કૂલમાં તેમની નાની પુત્રી પ્રિયાંશી માતા-પિતાના માર્ગદર્શન હેઠળ ડ્રોઈંગ ક્ષેત્રે આગળ વધી રહી છે. પ્રિયાંશીને નાનપણથી જ ચિત્રકામ પ્રત્યે લગાવ હતો માતા કિંજલબેને પ્રિયાંશીને ચિત્રકામ પ્રત્યેની રુચિ જોઈને તેને પ્રોત્સાહિત કરી હતી.
જેથી પ્રિયાંશીએ ખૂબ મહેનત કરીને રાજ્ય કક્ષાની ઇન્ટરમિડિયેટ ડ્રોઈંગ ગ્રેડ પરીક્ષા ભાગ લીધો હતો. આ પરીક્ષામાં તમામ જિલ્લામાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રિયાંશીએ ચાર અલગ-અલગ પેપરમાં ઉચ્ચ માર્ક્સ મેળવી એ ગ્રેડ સાથે 100 માર્ક્સમાંથી 93 માર્ક્સ મેળવી ભરૂચ જિલ્લાનું અને અંકલેશ્વરનું નામ રોશન કર્યું છે. પ્રિયાંશી ચૌહાણે અગાઉ પણ તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાની ડ્રોઈંગ સ્પર્ધામાં ભાગ લઇ પ્રથમ નંબર હાંસલ કર્યો છે. માતા-પિતા સહિત અનેક શુભેચ્છકોએ તેને આગળ વધવા શુભેચ્છાઓ પાઠવી હતી.


