પેટા
ઉપલેટાના મામલતદારનો ઉડાઉ જવાબ: રેતીની ખનીજ ચોરીની કામગીરી મારામાં નથી આવતી !!
પેટા
ખનીજ ચોરીની ફરિયાદ કરવામાં લોકો ખનીજ માફિયાઓથી થરથર ધ્રૂજે છે
રાજકોટ જિલ્લાના ધોરાજી, ઉપલેટા અને પાટણવાવ વિસ્તારમાંથી પસાર થતી ભાદર નદીમાંથી થતી બેફામ રેતી ચોરીને નાથવા સ્થાનિક સરકારી તંત્રોના સત્તાધીશો રિતસરના ટૂંકા પડતાં હોવાની વિગતો મળી રહી છે. ખનીજ માફિયાઓની દાદાગીરી કહો કે સત્તાધીશો સાથેની સાંઠગાંઠ કહો, લોકો આવા ખનીજ માફિયાઓ અંગે ફરિયાદ કરવામાં થરથર ધ્રુજી રહ્યા છે. ત્યારે રાજ્યના ઉચ્ચ ખનીજ તંત્રે રાજકોટ જિલ્લા પંથકમાં બેરોકટોક થતી રેતી ચોરી પર ત્રાટકવાની જરૂર હોવાનું જાગૃત લોકો કહે છે.
વિગતો એવી મળી રહી છેકે ઉપલેટા, ધોરાજી અને પાટણવાવ વિસ્તારમાંથી પસાર થતી ભાદર નદીમાંથી રોજ બરોજ લાખો રૂપિયાની રેતી ચોરી કાઈને બેરોકટોક વેપલો થઈ રહ્યો છે. રોજ સૂરજ ઊગે અને આથમે ત્યાં સુધીમાં લાખો રૂપિયાની ખનીજ ચોરી કરીને નાના મોટા ડંપરો રોડ-રસ્તા પર આવન જાવન કરી રહ્યા છે. આ બધુ સરકારી તંત્રો ન જાણતા હોવાની વાત માની લેવાને કોઈ અવકાશ ન હોવાનું જાણકારો કહે છે.
ધોરાજી, ઉપલેટા અને પાટણવાવ વિસ્તારમાંથી પસાર થતી ભાદર સહિતની નદીમાંથી થતી હિમતભેર રેતી ચોરીની વિગતો મળી રહી છે કે, ધોરાજીના સુપેડી ગામની, પાટણવાવ વિસ્તારમાં આવેલ છાડવાવદર, ભોળા, ભિમોરા, ઉપલેટા વિસ્તારમાં આવેલ મોજ નદીના કાંઠે ઉપરાંત ભાયાવદર વિસ્તારમાં આવેલ મોજ નદીના કાંઠે, સાજડીયાળી ગામની મોજ નદીના કાંઠે, ઉપલેટાના ભાયાવદર વિસ્તારમાં ખાખીજાળીયા ગામ પાસે આવેલ મોજ નદીના કાંઠે ,ચિખલીયા ગામ ની ભાદર નદી ના કાંઠે, ઇસરા ગામ ની ભાદર નદી કાંઠે, ડુમિયાણી ટોલનાકા ની બાજુમાં આવેલ ભાદર નદી ના કાંઠે
સમઢીયાળા ગામની ભાદર નદીના કાંઠે, ઉપલેટાના ગણોદ ગામની ભાદર નદીના કાંઠેથી બેફામ રેતી ઉસેડાઈ રહી છે.
કરોડો રૂપિયાની આવી રેતી ચોરી દરમિયાન સરકારની તિજોરીમાં રાતી પાઇ પણ જમા થતી નથી. ત્યારે આ વાતમાં સબંધિત સત્તાધીશોની મીઠી નજર કારણભૂત હોવાનું સાબિત થઈ રહ્યું છે. સ્થાનિકો કહે છે કે, અમે ખનીજ ચોરીની ફરિયાદ કરીએ જાનનું જોખમ ઊભું થઈ જાય છે. કારણ કે ઉચ્ચ રાજકીય આગેવાનો અને અગ્રણીઓ સાથે સંકળાયેલા ખનીજ માફિયા આમ આદમીઓ પર હુમલા કરવામાં જરાય ખચકાતા નથી.
બોક્સ:
ઉપલેટા મમલતદારનો ઉડાઉ જવાબ : ઇ.. અમારામાં ન આવે !
જેતપુર: જાગૃત પત્રકારોએ રેતી-ખનીજ ચોરીને કેમેરામાં કંડારી લીધા બાદ ઉપલેટાના મામલતદારને આ બાબતે પૂછ્યું કે, સાહેબ આવડી મોટી રેતી ચોરી અટકાવવા તમે કોઈ પ્રયાસ કર્યો કે નહીં ? ત્યારે તેઓએ એક અચરજ પમાડે તેવો જવાબ આપ્યો કે “ખનીજ ચોરી અટકાવવી તે તેઓની કામગીરી નથી” ત્યારે પ્રજાના એ આક્ષેપોને સમર્થન મળ્યું કે સ્થાનિક સરકારી બાબુઓની મીઠી નજર તળે જ બેરોકટોક ખનીજ ચોરી થઈ રહી છે.
બોક્સ:
રજૂઆત કારનારના પગ ભાંગી નાખતા ખનીજ માફીયા
જેતપુર: ઉપલેટા, ધોરાજી, પાટણવાવ વિસ્તારમાં થતી રેતી ચોરીનું કવરેજ કરવા ગયેલા પત્રકારોને એવી પણ વિગતો સાંપડી હતી કે અગાઉ આવી ખનીજ ચોરી બાબતે અવાજ ઉઠાવનાર એક જાગૃત માણસ ઉપર ખનીજ ચોરોએ હુમલો કરી પગ ભાંગી નાખ્યા હતા. છતાં આ બાબતે કોઈ પગલાં ભરાયા ન હતા. ત્યારે લોકોમાં પણ ખનીજ માફિયાઓનો ભારે ખૌફ છે.
બોક્સ :
ડેપ્યુટી કલેકટર પણ બન્યા હુમલાનો ભોગ
જેતપુર: જાગૃત લોકોએ ત્યાં સુધી કહ્યું કે ભૂતકાળમાં આ વિસ્તારોમાં ખનીજ ચોરી પર દરોડો પાડવા ગયેલા એક ડેપ્યુટી કલેકટર પર ખનીજ માફિયાઓના ભાડૂતી માણસોએ જીવલેણ હુમલો કર્યો હતો. ડેપ્યુટી કલેકટર પર હુમલો થતો હોય તો બિચાર આમ આદમીની શી વિસાત હોય શકે કે તે ખનીજ માફિયા સામે અવાજ ઉઠાવી શકે તે વાત પણ સહજ છે.
બોક્સ :
સ્ટાફ અપૂરતો હોવાનો ખાણ-ખનીજ તંત્રનો લૂલો બચાવ
જેતપુર : બેફામ રેતી ચોરીનો પર્દાફાશ કર્યા બાદ સંબંધિત ખાણ અને ખનીજ તંત્રનો સંપર્ક કરાતા સંબંધીતઓએ કહ્યું કે તેઓની પાસે અપૂરતો સ્ટાફ હોવાથી રેતી ચોરી અટકાવી શકાતી નથી. તંત્રના આ લૂલા બચાવ પાછળ હપ્તાખોરી સાબિત થતી હોવાનો લોકોનો આક્ષેપ છે. કારણ કે ખાણ ખનીજ તંત્રના એકલ દૉકલ અધિકારીઓ ધારે તો પોલીસ સાથે રાખીને રેતી ચોરી ડામી શકે, પણ ટોપ ટૂ બોટમ તમામ સરકારી તંત્રોને ખનીજ માફીઓએ સાચવી લેતા હોવાની વાતો મજબૂત બની રહી છે.
બોક્સ :
પોલીસ જાગે તો રેતી ચોરો ભાગે : જાગૃત લોકો
જેતપુર : ધોરાજી, ઉપલેટા, પાટણવાવ, તલગણા વિસ્તારમાં થતી ચોરી બાબતે જાગૃત લોકોનું એવું પણ કહેવું છે કે આ તમામ તાલુકા મથકની પોલીસ આ બધુ સારી રીતે જાણે છે. ખનીજ માફિયાઓની પહોંચ ઉચ્ચ રાજકીય અગ્રણી સુધીની હોય, મની અને મસલ્સ પાવરથી તમામને ખરીદીને દિનદહાડે ખનીજ ચોરી કરી રહ્યા છે. પોલીસ તંત્રને પણ નિયમિત હપ્તા મળતા હોવાના જાણકાર લોકોના આક્ષેપો તપાસવા જોઈએ.
બોક્સ : ખનીજ માફિયાઓના ખીલે કયા સુધી કૂદશે સરકારી બાબુઓ ?
જેતપુર: ખનીજ ચોરીનો પર્દાફાશ કરનાર જાગૃત પત્રકારોને સ્થાનિકોએ ત્યાં સુધી કહ્યું કે ભાઈ, આ બાબતે અનેક વખત મામલતદાર, ડેપ્યુટી કલેકટર, જિલ્લા કલેકટર અને ખાણ ખનીજ તંત્રને લિખિત મૌખિક ફરિયાદો કરવામાં આવી છે. પણ રાજકીય વગ ધરાવતા માથાભારે ખનીજ માફિયાઓના ખીલે કૂદી સરકારી બાબુઓ “ફૂલડીમાં ગોળ ભાંગી” લેતા હોવાથી આ વિસ્તારની રેતી ચોરી કોઈ કાળે ડામી નહીં શકાય તેવો જાગૃત લોકોનો વસવસો છે.
હરેશ ભાલીયા જેતપુર

