સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવમાં એક આદિવાસી ખેતમજૂરની ૧૨ વર્ષની કિશોરી ખેતર પાસે આવેલા એક બોર નજીક રમી રહી હતી. રમતાં-રમતાં અચાનક તે ૬૦૦ ફૂટ ઊંડા બોરમાં પડી ગઇ હતી. એની જાણ થતાં જ કિશોરીનાં પરિવારજનો અને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને તેને બચાવવા કવાયત હાથ ધરી હતી. મનીષા નામની આ કિશોરી બોરમાં ૬૦થી ૭૦ ફૂટે ફસાઇ હોવાનું જાણવા મળ્યું હતું. ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામે આદિવાસી પરિવારની ૧૨ વર્ષની દિકરી મનીષા સવારે ૬૦૦થી ૭૦૦ ફૂટ ઊંડા બોરમાં અંદાજે ૬૦ ફૂટ નીચે ફસાઇ હતી. આથી ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ધ્રાંગધ્રા આર્મી, પોલિસ અને આરોગ્ય વિભાગની ટીમ એમ્બ્યુલન્સ વાન સાથે તાકીદે ગાજણવાવ ગામે દોડી જઇ યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેને બચાવવા માટે બોરની અંદર સતત ઓક્સિજન મોકલવામાં આવ્યો હતો. મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે કિશોરીને બચાવવાનું ઓપરેશન હાલ ચાલી રહ્યું છે અને આશા રાખીએ છીએ કે તેને હેમખેમ બહાર કાઢીશું. આર્મી દ્વારા તેને હેમખેમ બચાવી લેવામાં આવી છે. આર્મિના જવાનોએ ૧૨ વર્ષની બાળકી મનીષાને હેમખેમ બહાર કાઢી એના પરિવારજનોને સોંપાતા પરિવારજનો ખુશી સાથે ચોંધાર આંસુએ એને ગળે વળગીને રડી પડતા હાજર સૌ લોકોના આંખોના ખુણા ભીના થઇ ગયા હતા. બાદમાં ૧૨ વર્ષની બાળકીને બેભાન અવસ્થામાં તાકીદે સારવાર અર્થે એમ્બ્યુલન્સ વાનમાં ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. જૂન મહિનામાં પણ આવી જ એક ઘટના બની હતી, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામની સીમમાં આવેલી વાડીની અંદર ૫૦૦ ફૂટ ઊંડા બોરમાં બાળક પડ્યો હતો. બોરવેલમાં ફસાયેલા અઢી વર્ષના માસૂમને ૪૦ મિનિટમાં જ રેસ્ક્યૂ કરી બચાવાયું હતું. ધ્રાંગધ્રા આર્મીની ટીમ આવીને ખૂબ ટૂંક સમયમાં લગભગ ૪૦ મિનિટમાં જ આ માસૂમ બાળકને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં સફળતા મળી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના દુદાપુર ગામની વાડીમાં બેથી અઢી વર્ષનું એક માસૂમ બાળક રમતાં રમતાં બોરમાં પડ્યું હોવાની ઘટના બની હતી. ઘટનાની જાણ તંત્રને થતાં તાત્કાલિક ફાયરબ્રિગેડ, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ સ્ટાફ તેમજ આરોગ્યની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તંત્ર દ્વારા અમદાવાદ એનડીઆરએફની ટીમને પણ જાણ કરવામાં આવી હતી અને ધ્રાંગધ્રા આર્મીની પણ મદદ લેવામાં આવી હતી.ધ્રાંગધ્રાના ગાજણવાવમાં સવારે ૬૦૦ ફૂટ ઊંડા બોરમાં આદિવાસી પરિવારની કિશોરી પડી હતી અને ૬૦ ફૂટે ફસાઈ હતી. બોરમાં ફસાયેલી કિશોરીને બચાવવા માટે આર્મી, પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. કિશોરીને બચાવવા માટે આર્મી દ્વારા દિલધડક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને બોરમાંથી તેને હેમખેમ બહાર કાઢી હતી. તેને બચાવવા માટે ૪ કલાક રેસ્ક્યૂ-ઓપરેશન ચાલ્યું હતું.
