ભુજ
હોળી-ધુળેટી પર્વને આડે હવે માત્ર ચારેક દિવસ જ બાકી રહ્યા હોવા છતાં કેસૂડાના હબ ગણાતા નખત્રાણા તાલુકામાં આ વખતે કેસૂડાને હજી સુધી ફૂલ જ આવ્યા નથી. આ વખતે પંથકમાં કેસૂડાને ફુલ ના આવતાં કુદરત પ્રેમીઓ તેમજ ખેલૈયાઓમાં નિરાશા વ્યાપી છે. કેસૂડાના કેટલાંક વૃક્ષોને આંગળીના વેઢે ગણી શકાય તેમજ કેટલાક વૃક્ષોને સાવ ફૂલો જ આવ્યા ન હોવાથી સ્થાનિકોમાં અચરજ ફેલાયું છે. સામાન્ય રીતે નવેમ્બર અથવા ડિસેમ્બરમાં પાંદડા ખરવા માંડે અને જાન્યુઆરીમાં બધા પાંદડા ખરી પડતા હોય છે. એપ્રિલ અથવા મે માસમાં નવા પાન આવે, તે પહેલા મહા-ફાગણ એટલે કે ફેબ્રુઆરી-માર્ચમાં તેના નવા પુષ્પો આવવાની શરૂઆત થાય છે. પણ આ વખતે નખત્રાણા-ભુજ વચ્ચેના વિસ્તારમાં હજુ સુધી અડધાથી પણ ઓછા વૃક્ષોને એક પણ ફૂલ આવ્યા નથી. તો અમુક વૃક્ષોને આંગળીના વેઢે ગણી શકાય તેટલાં જ ફુલ આવ્યા છે. દાયકાઓ અગાઉ આ વિસ્તારમાં દેખાતા સેંકડો વૃક્ષો આજે લાંબી રઝળપાટ બાદ માંડ જાેવા મળે છે. ઉલ્લેખનીય છે કે, દુર્લભ ગણાતા પીળા કેસૂડાના વૃક્ષ આખા નખત્રાણા તાલુકામાં માત્ર એકાદ બે જ હોવાનું જાણવા મળ્યું છે. કેસૂડાના એક વૃક્ષનો ફોટો ગત વર્ષની આ જ તારીખે નાના અંગીયાના વિશાલ જાેશીએ પાડ્યો હતો, જેણે આજે પણ તે વૃક્ષનો ફોટો પાડ્યો હતો જેમાં આ વર્ષે ફૂલ જાેવા મળ્યા નથી.
