નડિયાદ
નડિયાદના કપડવંજ રોડ ઉપર હરિઓમ સોસાયટી ખાતે અંધજન મંડળ નડિયાદ દ્વારા પૂજ્ય મોટા વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર ચલાવવામાં આવે છે. આ સેન્ટરમાં દીવેટો, સિલાઈ કામ, પેપરબેગ, કવરબેગ વગેરેની તાલીમ તથા સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ યુવાનો તથા મહિલાઓના ઉત્થાન માટે આ સંસ્થા કામ કરી રહી છે. આ ઉપરાંત આઈ ચેક અપ કેમ્પ તથા જરૂરી સાધન સહાય ઉપરાંત રોજગારી સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ સેવાઓમાં વધુ એક મોર પીછ ઉમેરાયું છે. દિવ્યાંગો પોતાના ઘરે બેઠા શિક્ષણ મેળવી તે હેતુસર ઉપરોક્ત સંસ્થા દ્વારા ડિજીટલ લાઇબ્રેરીનુ માધ્યમ ઊભું કરવામાં આવ્યું છે. આ લાઇબ્રેરીને આજે પૂર્વ કેન્દ્રિય મંત્રી દિનશા પટેલના હસ્તે ખુલ્લી મુકવામાં આવી છે. આ પ્રસંગે ફેડરેશનના સલાહકાર ભુપેન્દ્ર બ્રહ્મભટ્ટ, નેશનલ એસોસિયેશન બ્લાઈન્ડ ગુજરાત બ્રાન્ચના સેક્રેટરી તારક લુહાર, પ્રમુખ ભાસ્કર પટેલ, જનરલ સેક્રેટરી ચંદ્રકાંત સોલંકી, મંત્રી વિરેન્દ્ર પટેલ, મંત્રી રિતેશ લખમાણી, સભ્ય જે.ડી.પટેલ, દીપક દેસાઇ, અલ્કેશ દેસાઈ, શ્રુતિબેન ગજ્જર, હિરલ દેસાઈ, અલ્પાબેન લખમાણી, ભારત વિકાસ પરિષદના અમીત સોની તેમજ અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા.સાક્ષરનગરી નડિયાદમાં અનેક સેવાકિય પ્રવૃત્તિઓ ચાલી રહી છે. જેમાં દિવ્યાંગો માટેની સેવાઓ પણ નગરની સ્વૈચ્છિક સામાજીક સંસ્થાઓ કરી રહી છે. નડિયાદ અંધજન મંડળની સેવામાં વધુ એક મોર પીછ ઉમેરાયું છે. દિવ્યાંગો ઘરે બેઠા એજ્યુકેશન મેળવી શકે તે હેતુસર ડિજિટલ લાઈબ્રેરીનો પ્રારંભ કરાયો છે.
