મોરબી
માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં સગીરા સાથે દુષ્કર્મનો કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. જેમાં સગીરા ખેત મજૂરી કરવા જતી હોય જ્યાં તેને વધુ મજૂરીની લાલચ આપી ખેતરનો માલિક અન્ય ખેતરમાં લઈ જઈને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો છે. ચકચારી બનાવમાં ભોગ બનનારના મામાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેની ૧૪ વર્ષની ભાણેજ આરોપી ભરત સુરાણીના માળિયાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ખેતરમાં મજૂરી કરવા ગઈ હતી. ખેતરે મજૂરી કામ પૂરું થતા સગીરાએ પોતાના ઘરે મૂકી જવાનું કહેતા વધુ મજૂરીની લાલચ આપી અન્ય ખેતરે લઇ જઈને ત્યાં સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી સગીરાનું શિયળ લૂટી લીધું હતું. તેમજ કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. માળિયા પોલીસે આરોપી ભરત નારણ સુરાણી (ઉં.વ.૪૯) વિરુદ્ધ સગીરા અપહરણ, દુષ્કર્મ અને ધમકી આપ્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
