નવસારી
નવસારી શહેરના જયશંકર પાર્ટી પ્લોટની સામે પાલિકાની માલિકીનો પાર્ટી પ્લોટ આવેલો છે. જ્યાં મોર્નિંગ વોક કરવા માટે આવતા લોકોને મોટી સંખ્યામાં દારૂની અને બિયરની ખાલી બોટલો મળી આવી હતી. જેને લઇને તંત્રએ રેઢા મુકેલા પાર્ટી પ્લોટ પર નિયંત્રણ મુકવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ વિસ્તારમાં અનેક પાર્ટી પ્લોટ આવ્યા છે. જેથી સંભવિત રીતે લગ્ન પ્રસંગમાં આવતા લોકો રાત્રીના અંધારાનો લાભ લઈને બિન્દાસ્તપણે કારમાં બેસીને દારૂ પીતા હોય છે. ત્યારબાદ ખાલી બોટલો ત્યાં ફેંકીને જતા રહે છે. સરકારી મિલકત આવી રીતે રેઢી હોવાને કારણે અસામાજિક તત્વો માટે તે મોકળું મેદાન સાબિત થાય છે. આ પાર્ટી પ્લોટ પાલિકાની માલિકીનો હોવા છતાં પણ અહીં કોઈપણ ગાર્ડ કે વોચમેન રાખવામાં આવ્યો નથી. જેને કારણે અસામાજિક તત્વો માટે આ સૌથી સુરક્ષિત વિકલ્પ બન્યો છે. પોલીસ તંત્ર પણ જાે નિયમિત રીતે અહીં પેટ્રોલિંગ કરે તો અસામાજિક પ્રવૃત્તિ પર બ્રેક લાગી શકે તેમ છે. સાથે જ પાર્ટી પ્લોટથી ગ્રામ્ય પોલીસ મથકનું અંતર ૧૫૦ મીટર જ છે. છતાં પણ દારૂ પીનારને પોલીસનો કોઇ જ પ્રકારનો ભય ન હોય તેમ બિન્દાસ્તપણે અહીં દારૂ પીવાય છે. ત્યારે પાલિકા અને પોલીસ બંને સંયુક્ત કામગીરી કરીને પાર્ટી પ્લોટને કોર્ડન કરીને અહીં થતી અસામાજિક પ્રવૃત્તિને બંધ કરાવે તેવી માંગ શહેરીજનો દ્વારા માંગ ઉઠવા પામી છે.

