નેહરુ યુવા કેન્દ્ર, જામનગર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ માટે જિલ્લા યુવા પુરસ્કાર હેઠળ જિલ્લા સ્તરે સારી કામગીરી કરનાર યુવા મંડળને પુરસ્કાર આપવામાં આવનાર છે. આ યોજનાનો ઉદ્દેશ યુથ ક્લબના વિકાસને પ્રોત્સાહિત કરવાનો છે, જે સમાજના ઉત્તપ્રેરક તરીકે ઓળખાય છે. યુથ ક્લબ રાષ્ટ્ર નિર્માણ અને અન્ય સામાજિક કલ્યાણમાં મહત્તમપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે અને વિકાસ પ્રવૃત્તિઓ, જેમકે ડિજિટલ નાણાકીય સાક્ષરતા, કૌશલ્ય વિકાસ તાલીમ, આરોગ્ય જાગૃતિ, પર્યાવરણની જાળવણી, રાષ્ટ્રીય એકતા, સામાજિક સંવાદિતા, રમત-ગમત, ગામડાઓમાં સંપત્તિ સમુદાયનું નિર્માણ જેવી પ્રવૃત્તિઓ કરે છે અને રાષ્ટ્રના વિકાસમાં સહયોગી બને છે.
યુવા મંડળો દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે આરોગ્ય, ડિજિટલ નાણાકીય સાક્ષરતા, કૌશલ્ય વિકાસ તાલીમ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસોની ઉજવણી, સંપત્તિ સમુદાયનું નિર્માણ, સાંસ્કૃતિક, રમત-ગમત, સાહસિક કાર્યક્રમ, મહિલા સશક્તિકરણ, રોજગાર, સામાજિક દુષણ જેવા કે સ્ત્રી ભૃણહત્યા, વેશ્યાવૃત્તિ, દહેજ પ્રથા, ઘરેલુ હિંસા, જમીન વિવાદ વગેરેમાં સેવાકીય પ્રવૃત્તિ કરી હોય તેમજ સ્વચ્છતા અભિયાન, સ્વચ્છ ભારત અભિયાન જેવી પ્રવૃત્તિ કરેલ હોય તેવા યુવા મંડળ આ યોજનામાં અરજી કરી શકશે.
