ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે રાજકીય પક્ષો, ઉમેદવારો તેમજ તેમના કાર્યકરો દ્વારા આદર્શ આચારસંહિતા તથા ચૂંટણી કાયદાનો ભંગ થતો હોય તેવી રાજકીય પ્રકારની તથા ચૂંટણીને સ્પર્શતી હોય તેવી જાહેરાતો ટી.વી. ચેનલો તથા ખાનગી ચેનલોમાં પ્રસારીત કરાવવામાં આવતી હોય છે. જેનું નિયમન કરવા માટે સુપ્રિમ કોર્ટ ૧૩/૦૪/૨૦૦૪ના આદેશ મુજબ ચૂંટણી અંગેની જાહેરાતો ટી.વીચેનલો તથા ખાનગી ચેનલોમાં પ્રસારિત કરવા પર નિયમન કરવા સારૂં છોટાઉદેપુર જિલ્લા મેજીસ્ટ્રેટ સુશ્રી. સ્તુતિ ચારણે જાહેરનામું બહાર કેટલાક નિયમનકબારી પગલાઓ ભર્યા છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે રાજકીય પક્ષો, ઉમેદવારો તેમજ તેમના કાર્યકરો દ્વારા આદર્શ આચારસંહિતા તથા ચૂંટણી કાયદાનો ભંગ થતો હોય તેવી જાહેરાતો ટી.વી. ચેનલો તથા ખાનગી ચેનલો, રેડીયો, કેબલ ટી.વી નેટવર્ક, ખાનગી એફ.એમ ચેનલમાં પ્રસારિત ન થાય તે માટે ચૂંટણી પ્રચાર કરવા ઇચ્છતા રાજકીય પક્ષો, ઉમેદવારો કે તેમના કાર્યકરોએ જાહેરાત, ઝિંગલ્સ, ઇન્સર્શન્સ, બાઇટ કે જે દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમોનો ઉપયોગ કરતી હોય તે જાહેરાતોને ટેપ/સી.ડી અને પ્રમાણિત કરેલ ટ્રાન્સક્રીપ્ટ સાથે મીડીયા સર્ટિફિકેશન અને મોનટરિંગ કમિટી(એમ.સી.એમ.સી)ના સભ્ય સચિવ, સહાયક માહિતી નિયામકશ્રી, છોટાઉદેપુરને અરજી કરવાની રહેશે. એમ.સી.એમ.સી કમિટી દ્વારા જાહેરાત એપ્રુવ થયા બાદ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જાહેરાત પ્રસિદ્ધ કરવા માટે મંજુરી આપવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારીની પરવાનગી વગર ટી.વી, રેડિયો, કેબલ ટી.વી નેટવર્ક તથા ખાનગી એફ.એમ ચેનલોમાં ચૂંટણી અંગેની જાહેરાત પ્રસારિત કરી શકાશે નહીં.
આ આદેશ છોટાઉદેપુર જીલ્લો અથવા જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુરની હકુમતના સમગ્ર વિસ્તારમાં તા. ૦૩/૧૦/૨૦૨૨ થી તા. ૧૦/૧૨/૨૦૨૨ (બંને દિવસો સહિત ) સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર, ઉલ્લંઘન કરનાર ભારતીય દંડસંહિતાની કલમ-૧૮૮ મુજબ સજા તથા દંડને પાત્ર થશે એમ જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુર તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
