Gujarat

પશુઓમાં લમ્પી વાઈરસના લક્ષણો જણાય તો તાત્કાલિક ૧૯૬૨ હેલ્પલાઈન અથવા નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવા તંત્ર દ્વારા અનુરોધ

જિલ્લાના પશુઓમા જોવા મળી રહેલ લમ્પી રોગને નિયંત્રણમાં લાવવા પશુપાલન વિભાગ તથા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.તમામ તાલુકાઓ તથા શહેરી વિસ્તારમાં આ રોગ પર સત્વરે નિયંત્રણ લાવી શકાય તે હેતુથી તમામ અસરગ્રસ્ત પશુઓમાં પુરજોશમાં રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં જામનગર શહેરમાં મળી આવેલ તમાંમ 381 પશુઓની સારવાર કરાઇ છે જ્યારે ૭,૮૪૪ પશુઓને લમ્પી વાઇરસ વિરોધી રસીકરણ કરી રક્ષિત કરાયા છે. જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકાવાર સ્થિતિ જોઇએ તો જામનગર તાલુકામાં ૫૧૭ પશુઓની સારવાર કરી ૬,૧૪૬ પશુઓનું રસીકરણ કરાયુ છે જ્યારે જોડિયા તાલુકામાં ૧૬૦ પશુઓની સારવાર કરી ૧,૯૫૯ પશુઓનું રસીકરણ કરાયુ છે. ધ્રોલ તાલુકામાં ૩૪૪ પશુઓની સારવાર કરી ૨,૨૭૫ પશુઓનું રસીકરણ કરાયુ છે. જ્યારે જામજોધપુર તાલુકામાં ૪૯ પશુઓની સારવાર કરી ૧,૪૭૯ પશુઓનું રસીકરણ કરાયુ છે. લાલપુર તાલુકામાં ૩૦ પશુઓની સારવાર કરી ૧,૫૧૮ પશુઓનું રસીકરણ કરાયુ છે તેમજ કાલાવડ તાલુકામાં ૧૦ પશુઓની સારવાર કરી ૨,૯૪૦ પશુઓને રસીકરણ કરી સમગ્ર જામનગર જિલ્લામાં કુલ ૨૪,૧૬૧ પશુઓનું રસીકરણ કરાયુ છે.

જામનગર જિલ્લાના ઘણા વિસ્તારોમાં ગાયોમાં હાલમાં લમ્પી સ્કીન ડીસીઝ (LSD) નામનો ચેપી રોગચાળો જોવા મળેલ છે. આ રોગ કેપ્રી પોક્ષ નામના વાઇરસથી થાય છે. જે વાઇરસ માખી, મચ્છર તેમજ પશુઓના શરીર પર જોવા મળતા જુ તથા ઇતરડીથી ફેલાય છે. વધુમાં આ રોગ પશુઓના સીધા સંપર્કથી પણ ફેલાય છે.

લમ્પી સ્કીન ડીસીઝ (LSD)ના લક્ષણો

રોગના વાઈરસ પશુના શરીરમાં દાખલ થયાના એક અઠવાડિયાની અંદર આ રોગના ચિન્હો જોવા મળે છે જેમ કે, પશુને તાવ આવે છે, પશુ ખાવાનું ઓછું કરે છે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે, ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે, પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર થાય છે, રોગીષ્ટ પશુઓ પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિ ને લીધે આપોઆપ ૨ થી ૩ અઠવાડિયામાં સાજુ થઇ જાય છે, રોગચાળો ફ્લાવાનો દર માત્ર ૧૦ થી ૨૦ ટકા છે. જ્યારે મૃત્યુ દર ખુબજ ઓછો ૧ થી ૨ ટકા છે, ખાસ નોંધનીય બાબત એ છે કે આ રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો નથી.

 

રોગચાળાને કાબુમાં લેવાના પગલાં

આ રોગચાળાને કાબુમાં લેવા માટે બીમાર પશુઓને બીજા તંદુરસ્ત પશુઓથી તાત્કાલિક અલગ કરવા. પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી જેથી માખી અને મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાય. આ રોગ તંદુરસ્ત પશુઓમાં ન આવે એટલા માટે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ કરવું.

આ અંગે જિલ્લા પશુપાલન અધિકારીશ્રી ડો. અનિલ વિરાણીએ જણાવ્યું છે કે જ્યાં સુધી આ રોગ સંપૂર્ણ કાબુમાં આવે નહી ત્યાં સુધી ઝુંબેશના સ્વરુપે પશુ સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ રહેશે.વધુમાં તમામ પશુપાલકો અને જાગૃત નાગરિકોને અપીલ કરતા જ્ણાવ્યું છે કે આ રોગના લક્ષણો પશુમાં જણાય તો તાત્કાલિક સારવાર માટે ૧૯૬૨ હેલ્પલાઈન કે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરે.

lumpi-vaccination-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *