સુરેન્દ્રનગર
પાટડી તાલુકાના જૈનાબાદ ગામે ખેતરમાં ગાયો ઘૂસી જવાનું મનદુઃખ રાખી ચાર ગાયોને જૈનાબાદ ગામના ઇકબાલ ઉર્ફે ઇકો ઇબ્રાહિમ નામના શખ્સે તિક્ષ્ણ હથિયારો વડે ઘાતક હુમલો કરી લોહિલુહાણ હાલતમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જૈનાબાદ ગામે અબોલ જીવો પર તિક્ષ્ણ હથિયારો વડે ઘાતક હુમલાની ઘટનાથી જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાવા પામી હતી. ગાયોના માલિક દ્વારા જૈનાબાદના ઇકબાલ ઉર્ફે ઇકો ઇબ્રાહિમ નામના શખ્સ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર સહિતના પોલિસ સ્ટાફ દ્વારા એની અટક કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જૈનાબાદ ગામે અગાઉ પણ માલધારી સમાજના વાડાઓ સળગાવવાના બાબતે મામલો બિચકાયો હતો. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલિસ વડા મહેન્દ્ર બગડીયા, ધ્રાંગધ્રાના તત્કાલીન ડીવાયએસપી આર.બી.દેવધા સહિતના પોલિસ સ્ટાફ દ્વારા બંને સમાજના ગામ આગેવાનો સાથે મેરોથોન શાંતિ સમિતિની બેઠક બોલાવી સમાધાન કરી મામલો થાળે પાડ્યો હતો. ત્યારે જૈનાબાદ ગામે ફરી અબોલ ગાયો પર તિક્ષ્ણ હથિયારો વડે હિચકારા હુમલાથી તંગદિલીભર્યુ વાતાવરણ સર્જાતા ચૂસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.પાટડી તાલુકાના જૈનાબાદ ગામે ખેતરમાં ગાયો ઘૂસી જવાનું મનદુખ રાખી ચાર ગાયો પર તિક્ષ્ણ હથિયાર પર હુમલાની ઘટનાની ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. આ બનાવ અંગે જૈનાબાદના શખ્સ વિરૂદ્ધ દસાડા પોલિસ મથકે ફરીયાદ નોંધાઇ છે.
