પાટણ
પાટણના નગરજનોને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવા હેતુથી નગરપાલિકા દ્વારા શુક્રવારના રોજ ફિલ્ટર પ્લાન્ટ નજીક ૨૫ લાખ લીટરની ક્ષમતા ધરાવતી ૨૫ મીટર ઉંચી રૂ.૧.૮૭ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઓવરહેડ ટાંકીનું ખાતમુહૂર્ત પાટણ વિધાનસભા બેઠકના ભાજપના મહિલા ઉમેદવાર રાજુલબેન દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ નવ નિર્મિત ઓવર હેડ ટાંકીના ખાતમુહૂર્ત પ્રસંગે પાટણ નગરપાલિકાના વોટર વર્કસ શાખાના ચેરમેન દિક્ષીત પટેલે જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા પાણીનાં સંગ્રહ માટે અગાઉ ૧૦ લાખ લીટરની ક્ષમતા વાળી ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ જેમ જેમ પાટણનો વિસ્તાર વિસ્તરતા લોકોને ઓછું પાણી મળતું હોવાની બુમરાણ ઉઠતા આ વિસ્તારમાં નવીન ૨૫ લાખ લીટરની ક્ષમતા વાળી રૂ.૧.૮૭ કરોડનાં ખર્ચે નવીન ઓવર હેડ ટાંકી માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતા આજ રોજ આ નવ નિર્મિત ઓવર હેડ ટાંકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઓવર હેડ ટાંકી તૈયાર થયાં બાદ પાટણના રહિશોને પુરતા પ્રમાણમાં પાણી મળતું રહેશે. નવીન ઓવર હેડ ટાંકીના ખાતમુહૂર્ત પ્રસંગે રાજુલબેન દેસાઈ, પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, વોટર વર્કસ શાખાના ચેરમેન દિક્ષીત પટેલ સહિત કોર્પોરેટરો, પાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ અને પાટણના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
