પાટણ
ગુજરાત રાજ્ય રોજબરોજ કોઈને કોઈ કૌભાંડ બહાર આવી રહ્યુ છે ત્યારે પાટણ જિલ્લામાં થોડાક દિવાસ પહેલાં નકલી આરસી સ્માર્ટ બુક બનાવવાના રાજ્યવ્યાપી કૌભાંડના પર્દાફાશ બાદ વધુ એક નવું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં પાટણ જિલ્લા એલસીબી પોલીસે નકલી ડ્રાઈવીંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ પકડી પાડ્યું છે. જેમાં ૪ જેટલા શખ્સોની ગેંગ દ્વારા લોકો પાસેથી રૂપિયા લઈ નકલી ડ્રાઈવીંગ લાયસન્સ બનાવી આપતા હોવાની માહિતી મળી છે. નકલી લાઇસન્સ બનાવતી ૪ શખ્સોની ગેંગમાંથી એલસીબી પોલીસે ૨ શખ્સોને પકડી લીધા છે અને બે શખ્સો ફરાર છે. કેટલાક શખ્સો ભેગા થઈ રૂપિયા લઈને નકલી ડ્રાઈવીંગ લાયસન્સ બનાવી આપે છે. જેથી પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરતાં બે શખ્સો મળી આવ્યા હતા. જેઓને પાટણ એલસીબી ઓફિસે ખાતે લાવી તેઓની સઘન પૂછપરછ કરતાં તેઓએ કબૂલાત કરી હતી કે, અમે ૪ શખ્સો ભેગા મળીને નકલી ડ્રાઈવીંગ લાયસન્સ બનાવીને તેને રૂપિયા લઈ તેનું વેચાણ કરીએ છીએ. પોલીસે પટેલ ભાવિક રમેશભાઈ (રહે. બાલીસણા) અને ઠાકોર નરેશ ગાંડાજી (રહે. આંબલીયાસણ) વિરૂદ્ધ બાલીસણા પોલીસ મથકે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર રહેલા બે શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
