પાટણ
વર્ષ ૨૦૧૯માં પાટણ જિલ્લામાં ડેન્ટિસ્ટ બહેને પોતાના જ સગા ભાઈ અને માસૂમ ભત્રીજીની કરેલી હત્યા મામલે કોર્ટે આરોપી બહેનને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારી છે. પરિવારમાં માનમોભો ન જળવાતો હોઈ, આરોપી બહેને તેના સગા ભાઈને ધતૂરાનું પાણી આપી માનસિક અસ્થિર કર્યો હતો અને બાદમાં કેપ્સ્યૂલમાં સાઇનાઇડ આપી ઠંડા કલેજે હત્યા નીપજાવી હતી. ભાઈની હત્યા કર્યાના પંદર દિવસ બાદ ૧૪ માસની માસૂમ ભત્રીજીને પણ સાઇનાઈડ આપી હત્યા નીપજાવી હતી. પાટણની એડિશનલ કોર્ટએ આરોપી કિન્નરીને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારી છે. કોર્ટના ચુકાદાને મૃતકનાં પરિવારજનોએ યોગ્ય ઠેરવ્યો છે. જાેકે કિન્નરીના વકીલ હાઇકોર્ટમાં અરજી દાખલ કરશે. ભાઇ અને ભત્રીજીની હત્યા કરનાર બહેનને પાટણની એડિશનલ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. આ ચુકાદામાં આરોપીને આજીવન કેદની સજા પણ એવી કે તે જીવે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેશે. મેં ૨૦૧૯માં વ્યવસાયે ડેન્ટિસ્ટ કિન્નરી પટેલે પોતાના જ સગા ભાઈ જિગર પટેલ અને ભત્રીજી માહી પટેલને સાઈનાઈડ આપી હત્યા નીપજાવી હતી. પરિવારમાં પોતાનો માનમોભો જળવાતો ન હોવાથી કિન્નરી પટેલે હત્યાનું કાવતરું ઘડ્યું હતું. કિન્નરી પટેલે જે ભાઈને રાખડી બાંધતી હતી તેની જ હત્યા કરવા માટે ધતૂરાનો અને સાઈનાઈડનો ઉપયોગ કર્યો હતો. કિન્નરીએ જિગર પટેલને અલગ અલગ પ્રવાહીમાં ધતૂરાનું પાણી આપ્યું હતું. ધતૂરાના પાણીને કારણે જિગરનું માનસિક સંતુલન બગડતાં કિન્નરીએ પોતાની પાસે સાઇનાઈડ ભરેલી કેપ્સ્યૂલ આપી દીધી હતી, જેને કારણે તેનું મોત નીપજ્યું હતું. જિગર પટેલના મોતના પંદર દિવસ બાદ જ પોતાના ભાભી એટલે કે જિગર પટેલનાં પત્ની ભૂમિબેનને પણ ધતૂરાનું પાણી આપી દીધું હતું, જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા પડ્યાં હતાં, જેનો લાભ લઈ ૧૪ મહિનાની ભત્રીજી માહીને સાઈનાઈડ આપી દેતાં તેનું પણ મોત નીપજ્યું હતું. પાટણના ડબલ મર્ડર કેસમાં પકડાયેલી કિન્નરી પટેલ સગા ભાઈ અને ભત્રીજીને મોતને ઘાટ ઉતારવા માટે ઉપયોગમાં લીધેલું સાઈનાઈડ અમદાવાદ માણેકચોકમાં આભૂષણોને ગિલેટ કરવાનો વ્યવસાય કરતા એક શખસ પાસેથી લાવી હતી. તેણે સૌથી પહેલા પોટેશિયમ સાઇનાઇડનો મકોડા પર પ્રયોગ કર્યો હતો અને એ મરી ગયો હતો ત્યાર બાદ તેણે સગા ભાઇ જિગરને એ પદાર્થ આપી હત્યા કરી હતી. સગા ભાઈ અને ભત્રીજીના ડબલ મર્ડર કરનારી કિન્નરી પટેલે ઘાતકી ઝેર વિશે ઇન્ટરનેટ પર સર્ચ કરી પોટેશિયમ સાઇનાઇડ અંગે જાણકારી મેળવી હતી. તે અમદાવાદમાં કાયમી સોના-ચાંદીના દાગીના લેતી હતી તે વેપારીને મળી પોતે ડેન્ટિસ્ટ ડોક્ટર હોવાથી દાંત પર લગાવવા માટેની કેપ પર સોનાનો ગિલેટ કરવા માટે કેમિકલની જરૂરિયાત હોવાનું જણાવી પોટેશિયમ સાઈનાઈડ( પોટાશ કેમિકલ) મેળવ્યું હતું.
