Gujarat

પાટણ અદાલત પાસેના રેલ્વે લાઈન પર બ્રિજ બનાવવાની માંગ

પાટણ
પાટણ જિલ્લા અદાલતથી શહેરની જનતા હોસ્પિટલ માર્ગ પરથી પસાર થતી રેલવે લાઈન પર બ્રિજ બનાવવા માંગ કરાઈ છે. શહેર ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલે આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. મુખ્યમંત્રીને લેખિતમાં કરાયેલી રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતુ કે, જિલ્લા અદાલતથી જનતા હોસ્પીટલ વચ્ચે પસાર થતી રેલવે લાઈન ઉપર હાલમાં અન્ડરપાસનું નિર્માણ કર્યું છે. જેની ઉંચાઈ ખૂબ જ ઓછી હોવાથી સદર અન્ડરપાસમાં નાના વાહન સીવાય મોટા વાહનો પસાર થઈ શકતા નથી. આ અન્ડરપાસની બાજુમાં જ એશિયાનું બીજા નંબરનુ માર્કેટયાર્ડ આવેલું છે. તેમજ જિલ્લા અદાલત, જનતા હોસ્પીટલ, રેલવે સ્ટેશન અને આજુબાજુ રહેણાંક, શોપીંગ સેન્ટરો તથા શાળાઓ આ વિસ્તારમાં આવેલી છે. જેથી અવાર-નવાર ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આ ઉપરાંત ચોમાસાની સિઝનમાં અન્ડરપાસમાં પાણી ભરાવવાને કારણે આ રોડ બ્લોક થઈ જાય છે જેને લઇને રાહદારીઓ સહિત વાહનચાલકોને અનેક મુશ્કેલીઓ ભોગવવી પડે છે. જેને લઈ સદર માર્ગ પર રેલવે ઓવર બ્રીજના શહેરી વિકાસ અને શહેરી ગ્રામ નિર્માણ વિભાગમાંથી ખાસ કિસ્સામાં ડી.પી.આર. બનાવી બ્રીજ મંજૂર કરવામાં આવે જેથી શહેરની તમામ જનતાઓને અવર–જવર કરવામાં સરળતા રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *