Gujarat

પાલનપુર ખાતે જિલ્લા કક્ષાનો કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો

બનાસકાંઠાના વિવિધ સ્વસહાય જૂથોને ચેક વિતરણ કરવામાં આવ્યું
      સરકારશ્રી દ્વારા બહેનોના ઉત્કર્ષ અને સર્વાંગી વિકાસ સાથે આર્થિક રીતે પગભર થાય તે માટે મોટા પાયે આર્થિક સહાય વિવિધ યોજનાઓ રૂપે મેળવે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે. દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ બેન્ક સાથે સંકલન કરીને એક જ સ્થળે સ્વસહાય જૂથની મહિલાઓનો રોજગારલક્ષી પ્રશ્નોનો નિકાલ થાય તે હેતુથી નગરપાલિકા ટાઉનહોલ, પાલનપુર ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લા કક્ષાનો કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ગ્રામ્ય કક્ષાના ૧૨ સખી મંડળને કેશ ક્રેડીટ લોનના ૨૧.૫૦ લાખ રૂપિયાના ચેક આપવામાં આવ્યા હતા.
      આ કાર્યક્રમના મુખ્ય અતિથિ બનાસકાંઠાના સાંસદશ્રી પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠા વહીવટીતંત્ર મિશન મંગલમના માધ્યમથી સખી મંડળોને પ્રોત્સાહિત કરવા તથા બહેનોને રોજગારી મેળવવા સક્ષમ બનાવી રહ્યું છે. મહિલાઓનું યોગદાન દરેક ક્ષેત્રમાં મહત્વનું રહ્યું છે. આપણા દેશના પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ તથા મુખ્યમંત્રી જેવા સર્વોચ્ચ હોદ્દાઓ ઉપર પણ મહિલાઓ રહી ચૂકી છે. આઈ.એ.એસ. અને આઈ.એફ.એસ. જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી મહિલાઓ સેવાઓ આપી રહી છે. સાંસદશ્રીએ જણાવ્યું કે આપણા આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ મહિલાઓને ૩૩% અનામત આપીને ખૂબ મોટું કાર્ય કર્યું છે. રાજ્યમાં આજે આપણો જિલ્લો શિક્ષણક્ષેત્રે અગ્રીમ હરોળમાં છે. જેમાં મહિલાઓ પણ ખૂબ શિક્ષિત થઈ છે. આજના સમયમાં સ્વસહાય જૂથોએ મહિલાઓ માટે ખૂબ મોટી રોજગારીની તકો ઊભી કરી છે. સાંસદશ્રીએ વિવિધ બેન્કને મહિલાઓને વધુમાં વધુ મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો.
      કેશ ક્રેડિટ કેમ્પમાં ઉપસ્થિત અતિથિ વિશેષ પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે વર્તમાન સરકારનો અભિગમ જન-જન સુધી તથા સમાજના અંતિમ વર્ગ સુધી પહોંચવાનો છે. આ યોજનાનો લાભ મહત્તમ મહિલાઓને મળે તથા વધુમાં વધુ સખી મંડળો બની મિશન મંગલમ યોજના સરસ રીતે ચાલે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
      આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઈ.શેખ, સંગઠનના શહેર પ્રમુખશ્રી દિનેશભાઇ પટેલ તથા અગ્રણીશ્રી હરેશભાઈ જાની અને ભગુભાઈ કુગસીયા, વિવિધ બેન્કના  અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG-20221230-WA0099.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *