અમદાવાદ
ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભિલોડા મત ક્ષેત્રના ધારાસભ્ય ડૉ. અનિલ જાેષીયારાના ચન્નઈ ખાતે સારવાર દરમિયાન થયેલા દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સદ્દગત ડૉ. જાેષીયારાને શ્રદ્ધાંજલી પાઠવતા જણાવ્યું છે કે ડૉ. જાેષીયારાએ આદિજાતિ સમાજ અને પોતાના મત ક્ષેત્ર સહિત સૌના લોક પ્રશ્નોની રજૂઆતો તથા નિવારણ માટે એક જાગૃત જન પ્રતિનિધિ તરીકે આપેલું યોગદાન સદાકાળ અવિસ્મરણીય રહેશે. મુખ્યમંત્રીએ દિવંગત ધારાસભ્ય ડૉ. અનિલ જાેષીયારાના આત્માની શાશ્વત શાંતિ માટે પ્રાર્થના કરી છે. તેમણે સદગતના શોક સંતપ્ત પરિવારજનોને દિલસોજી પણ પાઠવી છે. ૨૪ એપ્રિલ ૧૯૫૩ના રોજ જન્મેલા ડૉ.અનિલ જાેશીયારા મૂળ ભિલોડા તાલુકાના ચુનાખણના વતની હતા, તેઓએ ૧૯૭૯માં એમ.બી.બી.એસ અને ૧૯૮૩માં એમ.એસ.(જનરલ સર્જન)ની ડીગ્રી ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી હતી. ડૉ.અનિલ જાેશીયારાએ ભિલોડા સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ અને સર્જન તરીકે છ વર્ષ સેવાઓ આપી હતી. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષ અને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ૧૯૮૯ થી ૧૯૯૨સુધી પોતાની સફળ તબીબી સેવાઓ આપી છે તેઓ મેડિકલ એસોસિયેશનના સભ્ય રહી ચૂક્યા છે. ડૉ.અનિલ જાેશિયારાની રાજકીય કારકિર્દીનો ઉદય ૧૯૯૫માં થયો હતો. તેઓ ભિલોડાથી ચૂંટાયા બાદ ગુજરાત સરકારમાં ૧૯૯૫થી ૧૯૯૭ સુધી આરોગ્યમંત્રી રહ્યા હતા. ૧૯૯૮ની વિધાનસભા ચૂંટણીમાં સ્વ.ઉપેન્દ્ર ત્રિવેદી સામે તેમનો પરાજય થયો અને ૧૯૯૮થી ૨૦૦૨ સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. ત્યાર બાદ આવેલી ૨૦૦૨, ૨૦૦૭, ૨૦૧૨, ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસમાંથી સતત ચાર ટર્મથી વિજય મેળવી ભિલોડા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.બે મહિનાથી કોરોના સંક્રમિત પૂર્વ આરોગ્યમંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જાેશિયારાનું ૬૯ની વયે અવસાન થયું છે. આમ ડો.આશાબેન પટેલ બાદ વધુ એક ધારાસભ્યની વિદાય થઈ છે. ડો.અનિલ જાેષીયારાને એક મહિના પહેલા વધુ સારવાર અર્થે ચેન્નઈ લઈ જવામાં આવ્યા હતા. આ પહેલા તેઓ અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા, પરંતુ ફેફસાં કામ ન કરી શકતાં તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એકમો ટેક્નિક દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી.
