પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવાસની સહાય મળતા મારી મુશ્કેલીઓનો અંત આવ્યો છે. મારૂં કાચું ઘર હતું ત્યારે ચોમાસાની ઋતુમાં ખૂબ તકલીફ પડતી હતી એમ છોટાઉદેપુર તાલુકાના ઓળીઆંબા ગામના લાભાર્થી સુરેશભાઇ રાઠવાએ જણાવ્યું હતું.
છોટાઉદેપુર ખાતે આવેલા એસ.એન. કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલા ગરીબ કલ્યાણ મેળામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ મેળવવા આવેલા છોટાઉદેપુર તાલુકાના ઓળીઆંબા ગામના લાભાર્થી સુરેશભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે, સરકારની કલ્યાણકારી યોજનાઓથી અનેક ગરીબ લોકોને લાભ મળવાથી જીવનમાં પરિવર્તન આવ્યું છે એમ તેમણે કહ્યું હતું.
મકાન એ કોઇ પણ માણસ ભલે નાનો હોય કે મોટો હોય તેમના માટે પાયાની જરૂરિયાત હોય છે. માણસ પોતાનું ઘર બનાવવા માટે આખા જીવનની મૂડી ખર્ચી નાંખતા હોય છે. પરંતુ સરકાર દ્વારા અમલી પ્રધાનમંત્રી આવાસ યોજનાએ લાખો લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કર્યું છે.
માહિતીની ટીમ સાથે વાતનો દોર આગળ વધારતા સુરેશભાઇએ જણાવ્યું હતું કે, પહેલા મારૂં કાચું મકાન હતું. ત્યારે મને ખૂબ તકલીફ પડતી હતી. મને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળવાથી હવે મેં મારી બચતમાંથી નાણા ઉમેરી સરસ મજાનું ધાબાવાળું ઘર બનાવ્યું છે.
પાકું મકાન બનતા મારી મુશ્કેલીઓનો અંત આવ્યો છે. પહેલા ચોમાસાની ઋતુમાં ઠેર ઠેર ગળતા પાણીને લીધે ઘરવખરી પલળી જતી હતી. હવે પાકું મકાન થવાથી ઘરવખરી પલળી જવાનો ભય રહેતો નથી.
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવાસની સહાય મેળવી પાંકું ઘર બનતા ઘરમાં સૌ આનંદિત રહે છે. અમને આવાસ યોજનાનો લાભ આપવા બદલ મારા ઘરના સૌ સરકારનો દિલથી આભાર માને છે એમ સુરેશભાઇ જણાવ્યું હતું.
આમ, સરકારની કલ્યાણકારી યોજનાઓથી માણસના જીવનમાં ધરમૂળથી પરિવર્તન આવે છે જેનાથી માણસનો આત્મવિશ્વાસ વધુ દ્રઢ બને છે જેનું ઉદાહરણ સુરેશભાઇ રાઠવા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


