જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક સારા વરસાદના પગલે ખેડૂતોના હૈયે ટાઢક વળી છે. સાથે જ જિલ્લાના કુલ વાવેતર વિસ્તારમાં ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ-૨૦૨૧માં સમગ્ર જિલ્લામાં કુલ ૩૦૨૨૭૭ હેક્ટરમાં મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે કુલ-૩૨૧૦૩૬ હેક્ટરમાં જુદા-જુદા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. આમ, વર્ષ-૨૦૨૨માં ૧૮૭૯૯ હેક્ટર જેટલો વાવેતર વિસ્તારનો વધ્યો છે.
જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ મગફળીનું ૨૦૯૮૬૪ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારબાદ અનુક્રમે કપાસ ૪૯૬૫૦, સોયાબીન ૪૫૭૫૫, ઘસચારાના પાકોનું ૯૫૪૦, શાકભાજી ૪૨૬૩, અડદ ૯૭૫ અને મગ ૭૬૫ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ઉપરાંત વિસાવદર તાલુકામાં ૨૩૮ અને જૂનાગઢ તાલુકામાં ડુંગળીનું ૫૦ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે
ઉક્ત માહિતી આપતા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી દવેએ જણાવ્યું કે, પ્રાથમિક અહેવાલ મુજબ જિલ્લાના વાવેતર પેટર્નમાં કોઈ બહુ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. હાલ સારા વરસાદના પગલે ખેડૂતોને મોટી રાહત પહોંચી છે. તેમ શ્રી દવેએ અંતમાં ઉમેર્યું હતું.