પાલનપુર
બનાસકાંઠા જિલ્લાના પાંજરાપોળ અને ગૌશાળા સંચાલકો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે. જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં ૧૮૦૦ જેટલી ગૌશાળાઓ પાંજરાપોળો આવેલી છે અને તેમાં ૪.૫ લાખ કરતા વધુ ગૌવંશ સહિતના જીવો આશ્રિત છે. જેમાં પ્રતિ પશુ પ્રતિદિન ૭૦થી વધુનો ખર્ચ થાય છે અને આ તમામ ગૌવંશના સહિતના જીવો ખેડૂતોના બિન ઉપયોગી સરકાર અર્ધસરકારી સંસ્થાઓ દ્વારા મુકવામાં આવેલ છે. આ પશુધન પાસેથી ઉત્પાદન મેળવી શકાતું નથી જેથી આ સંસ્થાઓ ફક્ત દાન પર જ ર્નિભર છે. છેલ્લા પાંચ વર્ષમાં સંસ્થાઓ અલગ-અલગ આર્થિક મુસીબતનો સામનો કરી રહી છે. જેમાં પહેલા દુષ્કાળ ત્યારબાદ કોરોનામાં દાનની આવક બંધ થઈ ગઈ અને ત્યારબાદ કમોસમી વરસાદના કારણે ઘાસચારાને ભારે તંગીના કારણે ખર્ચમાં વધારો થતાં સંસ્થાઓ આર્થિક ભીડમાં આવી ગઈ. તેમજ વખતોવખત સરકારમાં રજૂઆત કરતા સરકાર જે તે સમયે આંશિક સહાય કરેલ જેથી સંસ્થાઓ ચલાવવું બન્યું હતું. વર્તમાનમાં સંસ્થાઓમાં દાનની આવક નહિવત્ છે, તો ખર્ચમાં મોટો વધારો થઈ રહ્યો છે. જેના કારણે સંસ્થાઓ દેવું કરી મહા મુસીબત સંસ્થાઓ ચલાવી રહ્યા છે. જાે સરકાર તરફથી યોગ્ય સારવાર ન મળે તો આ સંસ્થાઓ આશ્રિત પશુઓનાં જીવન બચાવવા માટે મોટો પ્રશ્ન ઊભો થાય તેમ છે. આ જીવોનું નિભાવ કરવા માટે સરકાર યોગ્ય સહાય આપે તો જ આ પશુધનની નિભાવી શકાય તેમ છે જેથી કલેક્ટરને વિનંતી કરાઈ હતી કે આ રજૂઆતને સરકાર સુધી પહોંચાડી ગૌશાળા પાંજરાપોળ અને કાયમી સહાય બાબતે બજેટમાં શામેલ થાય. ઉપરાંત સરકાર તાત્કાલિક આ વિષય પર ગંભીરતા દાખવી તેમની આ રજૂઆતને અગ્રતા આપે તેવી અરજ છે જેવું આવેદનપત્ર આપી જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.


