Gujarat

બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા દિવાળી તથા અન્ય તહેવારોને અનુલક્ષી ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ફટાકડા ફોડવા બાબતે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા રીટ પીટીશન નંબર.૭૨૮/૨૦૧૫ના કામે તા.૨૩/૧૦/૨૦૧૮ના જજમેન્ટથી દિવાળીનાં તહેવાર તથા અન્ય તહેવારો નિમિતે જાહેર જનતાને ભયજનક/ હાનિકારક પર્યાવરણ તથા ધ્વની પ્રદુષણની વિપરીત અસરથી રક્ષણ આપવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશા નિર્દેશો કરેલ છે. જે આદેશ મુજબ સરકારશ્રીના ગૃહ વિભાગના પત્ર ક્રમાંક: વિ.૨/ ઈએસએ/ ૧૩૨૦૧૫/ જીઓઆઈ-૧૧૨, તા.૧૨/૧૦/૨૦૨૨થી માર્ગદર્શક સુચનાઓ બહાર પાડેલ છે. તેના અમલીકરણ માટે તથા દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકવું જરૂરી જણાય છે.
          શ્રી આનંદ પટેલ, (આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા પાલનપુરને ફોજદારી કાર્યરીતી અધિનિયમ સને-૧૯૭૩ ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમ સને-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) અને કલમ-૩૩(૧)(યુ)થી મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લામાં આગ, અકસ્માતના બનાવો ન બને અને જાહેર સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે નીચે મુજબના નિર્દેશોનું પાલન કરવા ફરમાવાયું છે.
           નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે તેના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામા આવેલ છે. આ સિવાયના તમામ પ્રકારના ફટાકડાનાં ઉત્પાદન અને વેચાણ પર સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામા આવેલ હોઈ તેનુ ઉત્પાદન કે વેચાણ કરી શકાશે નહી.
          ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનુ પ્રદુષણ અને ઘન કચરો પેદા કરતા બાંધેલા ફટાકડા (Joint firecrackers, Series Cracker or Laris) પર સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ હોઈ તેને રાખી કે ફોડી શકાશે નહીં તથા તેનું વેચાણ કરી શકાશે નહી.
          ફટાકડાનુ વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ ઘ્વારા કરવાનુ રહેશે. આ વેપારીઓએ સુપ્રિમ કોર્ટના તા.૨૩/૧૦/૨૦૧૮ના આદેશ મુજબ પરવાનગી આપવામાં આવેલ ફટાકડાઓનુ જ વેચાણ કરવાનુ રહેશે. કોઇપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં, રાખી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહીં.
          ઉપરાંત તમામ ઈ-કોમર્સ વેબસાઈટ ઓનલાઈન કોઇપણ પ્રકારનાં ફટાકડાનુ વેચાણ કરી શકશે નહીં. ફટાકડા બનાવવા માટે બેરીયમનાં ઉપયોગ પર સુપ્રિમ કોર્ટ પ્રતિબંધ મુકેલ હોઈ તેનો ઉપયોગ કરી શકાશે નહીં.
         દિવાળી તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા રાત્રે ૮.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધી જ ફોડી શકાશે. તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે ૨૩.૫૫ કલાકથી ૦૦.૩૦ કલાક સુધી જ ફોડી શકાશે.
        હોસ્પીટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણીક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોને ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઇપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં.
         લોકોને અગવડ ઉભી ન થાય કોઈ પણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે બનાસકાંઠા જિલ્લાના પેટ્રોલપંપ, એલ.પી.જી., બોટલીંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઈ મથકની નજીક ફટાકડા દારૂખાનું ફોડી શકાશે નહીં.
       આ જાહેરનામુ સમગ્ર બનાસકાંઠા જિલ્લા મહેસુલ વિસ્તારમાં લાગુ પડશે અને આ જાહેરનામું તા.૨૦/૧૦/૨૦૨૨ થી તા.૦૮/૧૧/૨૦૨૨ (બંને દિવસો સહિત) અને તા.૨૫/૧૨/૨૦૨૨ થી ૩૧/૧૨/૨૦૨૨ (બંને દિવસ સહિત) સુધી અમલમાં રહેશે.
       આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી.ક.૧૮૮ તથા ગુ.પો.અધિ.ક.૧૩૭ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવેલ છે.

447606-firecrackers.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *