પાલનપુર
બનાસડેરીના ટેન્કરમાંથી દૂધની ચોરી કરવાના કૌભાંડનો પર્દાફાસ થયો હતો.આ અંગે ચાર સામે ફરિયાદ નોંધાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત મુજબ બનાસડેરીની વિઝીલન્સ ટીમના સીનીયર વિસ્તરણ અધિકારી ભીખાભાઇ કાળુભાઇ પવાયાએ ટીમના ડો. હરીભાઇ માવજીભાઇ પટેલ, ડો. મયુરભાઇ સરદારભાઇ ચૌધરી, સિક્યુરીટીના જીતેન્દ્રસિંહ સોલંકી, રાજેશકુમાર રામદેવભાઇ ચૌધરી, વિષ્ણુંભાઇ ગણેશભાઇ, શ્રાવક લાલાભાઇ હરજીભાઇએ રસાણા નજીક ચંદન વિહારધામમાં ઓચિંતી તપાસ કરી હતી. જેમને જાેઇ સ્થળ ઉપરના શખ્સો નાસી છુટ્યા હતા. જ્યાં બનાસડેરીના દૂધના ટેન્કર નંબર જીજે. ૦૮. ઝેડ. ૩૪૬૮માંથી જીપડાલા નં. જીજે. ૦૯. વી. ૬૩૫૯માં મુકેલા પ્લાસ્ટીકના પીપમાં દૂધની ચોરી થતી ઝડપી હતી. ટીમે સ્થળ ઉપર તપાસ કરતાં શખ્સો નાસી છુટ્યા હતા. જ્યાં ટેન્કરમાંથી ચોરેલા દૂધના ૨૦૦ લીટરના ચાર પ્લાસ્ટીકના પીપ,એક અડધું પીપ મળી આવ્યું હતુ. જે રૂપિયા ૪૫,૦૦૦નું ૯૦૦ લીટર હતુ. આ ઉપરાંત પાણીના ભરેલા બે બેરલ, દૂધ ખેંચવાની ઇલેકટ્રીક મોટર, પાઇપ, ત્રણ કેન , સ્ટીલની ત્રણ બરણીઓ સહિતનો મુદ્દામાલ કબ્જે લઇ તપાસ હાથ ધરાઈ હતી. ઘટનાસ્થળેથી મળી આવેલા બનાસડેરીના ટેન્કર ચાલક અને કલિનરના મેળાપીપણાથી દૂધની ચોરી થતી હતી. આ અંગે તે બંને ઉપરાંત પીકઅપડાલાનો ચાલક, રિક્ષા નં. જીજે. ૦૮. એટી. ૭૪૫૧નો ચાલક તેમજ તપાસ દરમિયાન મળી આવે તે શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
