Gujarat

બારડોલી એસટી ડેપોમાં મુસાફરનો પગ કચડાઈ જતાં મોત નીપજ્યું

સુરત
સુરતમાં ઘોર બેદરકારી સામે આવી. એક બાજુ બસ ડ્રાઈવરના લીધે એક વ્યક્તિનો પગ ટાયર નીચે કચડાયો અને બીજી બાજુ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા કહેવામાં આવ્યું કે, આ વ્યક્તિ પાસે કોઈ સંબંધી નથી… પૈસા તેની પાસે નથી તેથી હોસ્પિટલ વાળા સારવાર નહીં કરે… બાદમાં બારડોલીથી સુરત લઈ જતાં આ વ્યક્તિનું મોત નિપજ્યું હતું. બોલો આ મૃત્યુ પાછળ કોણ જવાબદાર રહેશે…. બસ ડ્રાઈવર જેણે આ વ્યક્તિનો પગ કચડી નાંખ્યો કે પછી ૧૦૮નો સ્ટાફ જે તાત્કાલિક હોસ્પિટલ ન લઈ ગયો.. કે પછી હોસ્પિટલ જે ૧૦૮ના કર્મચારીઓને કહ્યું જ છે કે પૈસાના હોય તેવા વ્યક્તિને હોસ્પિટલમાં લાવવા જ નહીં. મૂળ વાત એ છે કે, બારડોલીના વરાળ ગામે રહેતા જગુભાઈ હળપતિ શુક્રવારે કામ અર્થે બારડોલી આવ્યો હતો. બપોરના સમયે રેલવે બસ સ્ટેશન પર ઘરે જવા ઉભો હતો. આ સમયે માંડવી જતી એસટી બસમાં અન્ય મુસાફરો સાથે ચઢી રહ્યા હતા. ત્યારે ડ્રાઇવરે અચાનક બસ ચાલુ કરી દેતાં જગુભાઈ હળપતિના પગ પરથી બસનું ટાયર ફરી જતાં પગ કચડાય જવાથી ગંભીર ઇજા થઈ હતી. જગુભાઈ ઇજાગ્રસ્ત થતાં હાજર લોકોએ ૧૦૮ને ફોન કરી બોલાવતા તાત્કાલિક સ્ટેશન પર આવી ગયા હતા. પરંતુ ૧૦૮ના કર્મચારી દર્દીને લઈ જવાની ના પાડી હતી. કારણ પૂછતા તેમણે જણાવ્યુ કે દર્દીના કોઈ સબંધી સાથે નથી અને દર્દી પાસે પૈસા પણ નથી. જેથી સરદાર હોસ્પિટલના સંચાલકો આવા દર્દીને લાવવાની ના પાડે છે. આવુ નિવેદન સાંભળી લોકો અચરજ પામી ગયા હતા. બાદમાં ઘટના સ્થળે પોલીસ આવી અને દર્દીએ સારવાર અર્થે સરદાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ જગુભાઈ હળપતિને વધુ સારવારની જરૂર હોવાથી સુરત ખસેડવા જણાવ્યું હતું. ૧૦૮ વધુ સારવાર માટે સુરત લઈ જતી વખતે રસ્તામાં જ જગૂભાઈ હળપતિનું મોત નીપજયું હતું. સમગ્ર ઘટનામાં એસટી વિભાગના ડ્રાઇવરની ગંભીર બેદરકારીના લીધે એક મુસાફરે જીવ ખોવાનો વારો આવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ૧૦૮ એમ્બ્યુલેન્સ માં દર્દીને તાત્કાલિક સારવાર અર્થે જ ખસેડવાનો હોય છે પરંતુ બારડોલીની ખાનગી હોસ્પિટલોમાં જ્યા સુધી કેસ કાઢીને પૈસા ન ભરાય ત્યા સુધી એમ્બ્યુલન્સ છૂટી થતી નથી. જેથી સબંધી સાથે હોય અને દર્દી પાસે હોસ્પીટલમાં ભરવાના પૈસા હોય તો ઝડપી એમ્બ્યુલન્સ ફ્રી થઈ શકે, માટે કર્મચારીએ કદાચ પૈસા બાબતે વાત કરી હશે અને સરકારી હોસ્પિટલમાં દર્દીને તાત્કાલિક સારવાર મળતી નથી. દર્દીઓને લાંબો સમય વેઇટિંગમાં જ રહેવું પડે છે અને સીધા સુરત રિફર જ કરવામાં આવતા હોવાથી ખાનગી હોસ્પીટલમાં દર્દી લઈ જવાનો આગ્રહ રાખીએ છે. જેથી તાત્કાલિક સારવાર મળી રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *