જામનગર
૨૦૧૮ માં યોજાનાર આ પરીક્ષા પેપર ફૂટી જવાના કારણે રદ કરવી પડી હતી અને ફરીથી પરીક્ષા યોજાવાની હતી. પણ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જાણે યુવાનોના રોજગારની વિરોધી સરકાર હોય એમ પરીક્ષાઓ રદ કરી રહી છે. બિન સચિવાલય કારકૂન અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ થયા બાદ યુવાનો ફરીથી એ પરીક્ષાની તૈયારીમાં લાગ્યા હતા. પરંતુ સરકાર અને ગૌણ સેવા પસંદગી મંડળના અણઘડ વહીવટને કારણે ફરીથી પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. જેથી પરીક્ષાની તૈયારી કરતા લાખો યુવાનો ફરી એકવાર નિરાશ અને હતાશ થયા છે. ગુજરાત યુવક કોંગ્રેસ અન્યાયનો ભોગ બનનાર યુવાનોના સમર્થનમાં છે અને યુવાનોને ન્યાય મળી રહે તે માટે કટિબદ્ધ છે માટે યુવક કોંગ્રેસ જામનગર ના કાર્યકર્તાઓ ગુજરાતના યુવાનોને થયેલા આ અન્યાય ને વાચા આપવા માટે સાત રસ્તા સર્કલ પાસે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં શહેર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા શહેરના સાત રસ્તા સર્કલ ના ત્રણ રાઉન્ડ મારી અને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રદ થયેલી પરીક્ષા વહેલામાં વહેલી તકે યોજવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી બ્રિજેશ પટેલ, શહેર પ્રમુખ દિગુભા જાડેજા, શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ તૌસિફખાન પઠાણ ,વિપક્ષી નેતા આનંદ રાઠોડ , કોર્પોરેટર ધવલ નંદા સહિત કોંગ્રેસી આગેવાનો જાેડાયા હતા.
